ભરૂચ અને જંબુસર વચ્ચેના મુખ્ય માર્ગ પર આવેલા ઢાઢર નદીના બ્રિજનો વાહન વ્યવહાર શનિવાર, 22 નવેમ્બર, 2025 થી લઈને 24 નવેમ્બર, 2025 સુધી એટલે કે ત્રણ દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ બ્રિજ જંબુસર-આમોદ વચ્ચે આવેલો છે અને તાજેતરમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તેને ભારે વાહનો માટે અગાઉથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે બ્રિજનું સમારકામ (રીપેરીંગ) કામ પૂર્ણ થઈ ગયું હોવાથી, તેની ક્ષમતા ચકાસવા માટે લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગંભીરા દુર્ઘટના બાદ મોટો નિર્ણય
આ પ્રક્રિયાની સુરક્ષા અને સફળતા માટે બ્રિજને તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બ્રિજ બંધ હોવાના કારણે, ભરૂચથી જંબુસર તરફ જતા અને આવતા વાહનો માટે વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યો છે. વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર કરાયેલા સમયગાળા દરમિયાન ડાયવર્ઝનનો ઉપયોગ કરે અને અસુવિધા ટાળે. લોડ ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ, બ્રિજ ટૂંક સમયમાં જ વાહનવ્યવહાર માટે ફરીથી ખોલી દેવામાં આવશે.













