રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં ભાવનગરની મુલાકાત લીધી હતી. ભાવનગરની મુલાકાત દરમિયાન તેમણે નવી 25 બસોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે બસોનું લોકાર્પણ કર્યા બાદ આ બસોને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દરમિયાન તેમણે એસ.ટી. બસ સ્ટેન્ડની સ્વચ્છતા અને કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી. જોકે તેમની આ મુલાકાત દરમિયાન ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેના પ્રશ્નો પણ ઉઠ્યા હતા.


ગૃહમંત્રીને પત્ર લખવો એ નગરસેવકોની જવાબદારી હોય છે: હર્ષ સંઘવી

તાજેતરમાં કેટલાક ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોએ ગૃહમંત્રીને પત્ર લખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાની ફરિયાદ કરી હતી. આ બાબતે હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતુ કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે કોઈપણ ઘટના બને ત્યારે ગૃહમંત્રીને પત્ર લખવો એ નગરસેવકોની જવાબદારી હોય છે. આ સાથે ગૃહમંત્રીએ સ્વીકાર્યું કે કોઈ પણ ઘટના તેમના ધ્યાનમાં આવે તો તેના પર વધુ કડકાઈથી કામગીરી કરી શકાય છે.

ભાવનગરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા સરકાર કટિબદ્ધ

તેમણે ભાવનગરના લોકોને ખાતરી આપી હતી કે આવનારા દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ કડકાઈથી કામગીરી કરવામાં આવશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકાર ભાવનગરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે કટિબદ્ધ બની છે. ગૃહમંત્રીના આ નિવેદન બાદ હવે જોવું એ રહ્યું કે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે.


  • Follow us on: