ભાવનગર શહેરમાં એક યુવકને મહિલાની છેડતી અને પજવણી કરવી ભારે પડી હતી. કાળાનાળા વિસ્તારમાં રહેતી એક મહિલાને સતત મેસેજ અને ફોન કરીને હેરાન કરતા યુવકને મહિલાએ જાહેરમાં જ મેથીપાક આપ્યો હતો. ત્યારબાદ મહિલા તે યુવકને એસ.પી. કચેરી સુધી ઢસડીને લઈ ગઈ હતી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા અને સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.


મહિલાએ હિંમતભેર કર્યો પજવણી કરનારા યુવકનો સામનો

કાળાનાળા વિસ્તારની એક મહિલાને અવારનવાર એક યુવક દ્વારા ફોન કરીને અને મેસેજ મોકલીને પજવણી કરવામાં આવી રહી હતી. યુવકની આ હરકતોથી મહિલા એટલી કંટાળી ગઈ હતી કે તેણે આખરે કાયદાનો આશરો લેવાને બદલે જાતે જ તેને સબક શીખવવાનું નક્કી કર્યું હતું. આજે સવારે જ્યારે યુવક ફરીથી મહિલાને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે મહિલાએ હિંમતભેર તેનો સામનો કર્યો હતો.

યુવકના વાળ પકડીને મહિલા તેને એસ.પી. કચેરી સુધી લઈ ગઈ

ગુસ્સે ભરાયેલી મહિલાએ જાહેરમાં જ યુવકને મેથીપાક આપવાનું શરૂ કરી દીધુ હતું. લોકોની ભીડ વચ્ચે મહિલાએ યુવકને ધૂળ ચાટતો કરી દીધો હતો. માર માર્યા બાદ પણ મહિલાનો ગુસ્સો શાંત ન થયો.  તેણે યુવકને વાળ પકડીને કે શર્ટ પકડીને એસ.પી. કચેરી સુધી ઢસડીને લઈ ગઈ હતી. સમગ્ર ઘટના જોતા રસ્તા પરથી પસાર થતા લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા. લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: