ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. સિહોર શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે વરલ, મોટાસુરકા, સાગવાડી અને રાજપરામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેનાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી જ સિહોર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ ઘનઘોર વાદળોથી છવાઈ ગયું હતું.
ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા
બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. સિહોરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના પરિણામે ટ્રાફિક ધીમો પડ્યો હતો અને વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી હતી. સિહોર શહેરની જેમ જ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે વરલ, મોટાસુરકા, સાગવાડી અને રાજપરામાં પણ ભારે વરસાદ થયો છે. આ ગામોના ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતોમાં વરસાદને કારણે ખુશીનો માહોલ છે. કારણ કે આ વરસાદ પાક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.













