ભાવનગર સિવિલ હોસ્પિટલના આંખ વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર જયકુમાર મહાજન દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ દુઃખદ ઘટના પાલીતાણા તાલુકામાં આવેલી એક ખાનગી હોટલમાં બની હતી. જ્યાં ડોક્ટરે કોઈ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભરવાનો પ્રયાસ કર્યો. આપઘાતના પ્રયાસ બાદ ડોક્ટર જયકુમારને તાત્કાલિક ભાવનગરની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.


રેસિડન્ટ ડોક્ટર જયકુમાર મહાજનનો આપઘાતનો પ્રયાસ

હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તબીબોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ સમગ્ર તબીબી વર્તુળમાં ચિંતા અને શોકની લાગણી ફેલાવી છે. એક સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા આવું ગંભીર પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ

પોલીસ ડોક્ટરના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ કરીને આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે. સામાન્ય રીતે તબીબી ક્ષેત્રમાં ભણતર અને કામના ભારણને કારણે માનસિક તણાવનું પ્રમાણ વધુ જોવા મળે છે. જોકે આ કિસ્સામાં ચોક્કસ કારણ શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકશે. આ ઘટનાએ ફરી એકવાર તબીબી વિદ્યાર્થીઓ અને ડોક્ટરોની માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું છે. જેના પર સમાજ અને સરકાર બંનેએ ધ્યાન આપવાની જરૂર છે.


  • Follow us on: