ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં વરસાદે સર્જેલી તારાજી બાદના 8 દિવસ વિતવા છતાં શ્રમિક પરિવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ઉપરવાસ અને ગારીયાધાર પંથકમાં પડેલા ભારે વરસાદને લઈને શહેરમાંથી પસાર થતી ખારો નદીમાં અચાનક પાણી આવી જતા કબીર ટેકરી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો, ગળાડૂબ પાણીમાં કબીર ટેકરી વિસ્તારના કેટલાક પરિવારજનો જીવ બચાવીને સલામત સ્થળે પહોંચી ગયા હતા. જોકે ત્રણ જેટલા પરિવારોના મકાન ભારે વરસાદમાં આવેલા પાણીને લઈને ધરાશાયી થયા હતા. જેમાં તમામ ઘરવખરીનો સામાન દટાઈ ગયો હતો. અને શ્રમિક પરિવારોને 8 દિવસ વિતવા છતાં મુશ્કેલી જેમની તેમ વેઠવી પડી રહી છે.


ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો

જિલ્લાના તાલુકા વિસ્તારના અને ગામોમાં વરસાદી પાણીને લઈને ભારે મુશ્કેલીઓ સર્જાઇ હતી. ચોમાસાના પ્રારંભ સાથે જ પાલીતાણા તાલુકામાં અનેક નદી તળાવ છલકાવાથી રોડ રસ્તા અને પુલ તૂટી જવાની ઘટના બની હતી. જ્યારે વરસાદના બીજા રાઉન્ડમાં પણ ભાવનગર જિલ્લામાં ભારે તારાજી જેના દ્રશ્યો જોવા મળ્યા હતા. જિલ્લાના ગારીયાધાર તાલુકામાં શહેરની મધ્યમાંથી પસાર થતી ખારો નદીમાં પૂરના પાણી આવી જતા તારાજી સર્જાઇ હતી.

અનેક પરિવારો પોતાના મકાન છોડી સલામત સ્થળે સ્થળાંતર કર્યું હતું

ઉપરવાસમાં થયેલા સારા વરસાદથી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા ગારીયાધાર શહેરના તેમજ આજુ બાજુના ગ્રામ્યમાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા. ગારીયાધાર શહેરની મધ્યમાંથી પસાર થતી ખારો નદીમાં આવેલા પૂરના કારણે કબીર ટેકરી વિસ્તારમાં જોત જોતામાં ગળા સુધી પાણી ભરાઈ ગયા હતા. જેને લઇને અનેક પરિવારો પોતાના મકાન છોડી સલામત સ્થળે સ્થળાંતર કર્યું હતું. જ્યારે ત્રણ જેટલા મકાનો ધરાશાયી થયા હતા. ગારીયાધારના કબીર ટેકરી વિસ્તારમાં નદીમાં આવેલા પૂરને પાણી થી ખૂબ મોટી તારાજી સર્જાઈ હતી. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને લીધે સાંજ સુધીમાં લોકોના ઘરમાં પાણી ભરાવા લાગ્યા હતા.

કબીર ટેકરી વિસ્તારમાં મોટાભાગના શ્રમિકો વસવાટ કરે છે

જેવો હાથ લારી ચલાવીને ભંગાર એકઠો કરી તે વહેંચી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. તેઓ માટે કોઈ સગવડ નહી હોવાથી નીચાણ વાળા વિસ્તારમાં મજબૂરી થી લોકોને રહેવું પડે છે. તેવામાં નીચાણવાળો વિસ્તાર હોવાથી અચાનક નદીમાં આવેલા પૂરને લઈને સતત પાણીમાં વધારો થતા લોકોના ઘરમાં ગોઠણ સુધી પાણી પહોંચ્યા હતા. જેને પગલે અનેક પરિવારજનો પોતાના મકાન જેમના તેમ મૂકી સલામત સ્થળે ખસેડાયા હતા. જોકે તે જ સમયે અચાનક પાણીના સ્તરમાં વધારો થતા ત્રણ મકાનો ધરાશાહી થયા હતા શ્રમિક પરિવારોની નજર સામે જ તેમના મકાન ધરાશાયી થતાં ઘરવખરીનો તમામ સામાન દટાઈ ગયો હતો જ્યારે અનેક પરિવારજનોના ઘરનો સામાન પાણીમાં તણાઈ ગયો હતો.

સ્થાનિકો કાટમાળમાંથી ધીરે ધીરે પોતાનો સામાન બહાર કાઢી રહ્યા છે

ગારીયાધારમાં વરસાદી આફતથી બનેલી પરિસ્થિતિ અંગે શ્રમિક પરિવારજનો કબીર ટેકરી નીચાણવાળો વિસ્તાર હોવાથી અચાનક જ પાણીનું સ્તર વધતા પરિવારજનો જીવ બચાવી રોડ સુધી પહોંચ્યા હતા. જોકે પાણીમાં સતત થઈ રહેલા વધારાને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સ્થાનિક જયસુખભાઈ દ્વારા પૂર આવ્યાના દિવસની પરિસ્થિતિ વર્ણાવતા કહ્યું હતું કે, તેઓના પત્ની, બે પુત્ર અને એક દીકરી સહીત પોતાના પરિવાર સાથે ઘરમાં બેઠા હતા. ત્યારે ભારે વરસાદ અને પૂરને લીધે ઘરમાં પાણી ઘૂસવા લાગ્યા અને થોડી જ વારમાં કેડ સુધી પાણી ભરાઈ ગયા હતા. ત્યારે પોતે પરિવારજનોનો જીવ બચાવી બહાર રોડ સુધી પહોંચ્યા તેવામાં અચાનક જ ધડાકાભેર તેઓનું મકાન ધરાસાઈ થયું હતું. શ્રમિક પરિવારએ પોતાનો આશ્રય અચાનક જ પોતાની નજર સામે તૂટતા જોયો હતો અને તમામ ઘરવખરીનો સામાન તેમજ ખાદ્ય પદાર્થની સામગ્રી કાટમા નીચે દટાઈ ગયા, હાલ 8 દિવસ વીતવા છતાં જયસુખભાઈ પોતાના પરિવાર સાથે અન્ય સ્થળ પર ભાડેથી મકાન રાખીને રહે છે. જ્યારે કાટમાળમાંથી ધીરે ધીરે પોતાનો સામાન બહાર કાઢી રહ્યા છે..

હવે આ પરિવારજનોનો આશરો ક્યારે બંધાશે તે જોવું રહ્યું

ગારીયાધાર શહેરમાં કબીર ટેકરી વિસ્તારમાં માત્ર ત્રણ પરિવારોના મકાન જ નહીં પરંતુ અનેક પરિવારોના મકાનમાંથી સામાન પણ પાણીમાં તણાઈ ગયો હતો. જ્યારે શ્રમિક પરિવારના ઘરની બહાર મુકવામાં આવેલી હાથ લારીઓ જે તેઓ માટે રોજી રોટી કમાવાનું મુખ્ય સાધન છે, તે પણ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. ત્યારે અહીંના શ્રમિક પરિવારજનો દ્વારા સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરી હતી. વરસાદી પુરને લીધે થયેલી નુકસાની અંગે તંત્ર દ્વારા સર્વે કરવાની માંગ પણ કરવામાં આવી છે. શ્રમિક પરિવાર જે દરરોજ કમાય અને પોતાનું બે ટાઈમ નું જમવાનું કરી શકે તેવા પરિવારજનોને ઝડપથી સહાય મળે તે પણ જરૂરી છે. ત્યારે હવે આ પરિવારજનોનો આશરો ક્યારે બંધાશે તે જોવું રહ્યું.

  • Follow us on: