ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલી શેરી નંબર 7માં આજે એક નજીવી બાબતે પથ્થરમારાની ગંભીર ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં તણાવનું વાતાવરણ ફેલાયું છે. આ ઘટનામાં કેસરિયા હનુમાનજી મંદિરના પૂજારી સહિતના લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાનું મૂળ કારણ બાળકોના રમવા જેવી સામાન્ય બાબત હોવાનું જણાયું છે. નિર્મળનગર વિસ્તારમાં આવેલા કેસરિયા હનુમાનજી મંદિરની બાજુમાં રહેતા દેવીપૂજક સમુદાયના કેટલાક લોકો દ્વારા પડોશમાં રહેતા અન્ય લોકો પર અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો.


નિર્મળનગરમાં બાળકોના રમવાના મુદ્દે પથ્થરમારો

સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારે નાના બાળકો રમી રહ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં મંદિરના પૂજારી વસંતરાય હરગોવિંદદાસ દેવમુરારીના પગમાં પથ્થર વાગવાથી તેમને ઈજા પહોંચી હતી. હુમલાખોરોએ મંદિરના માળખાને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિક રહેવાસીઓએ અવારનવાર હેરાનગતિ અને ત્રાસના આક્ષેપો કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે મહિલાઓ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.

સ્થાનિકોએ અવારનવાર હેરાનગતિના કર્યા આક્ષેપ

દેવીપૂજક સમુદાયના કેટલાક લોકો તરફથી અવારનવાર ત્રાસ અને હુમલાની ઘટનાઓ બને છે, જેના કારણે ભયનું વાતાવરણ ફેલાયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.


  • Follow us on: