ભાવનગરમાં અગાઉ એક વૃદ્ધને માર મારવાની ઘટના બાદ ઊભો થયેલો વિવાદ હવે વધુ ગરમાયો છે. રબારી સમાજની ચીમકી બાદ હવે પાટીદાર સમાજના આગેવાનોએ પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. સુરતના પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેશે નહીં. પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે અમે 100 ગાડીઓ લઈને કાળા તળાવ ગયા હતા. પરંતુ અમારો વિરોધ કોઈ સમાજ પ્રત્યે નહોતો.


સુરતના પાટીદાર સમાજનાં આગેવાનોનું નિવેદન

પરંતુ અસામાજિક તત્વો સામે હતો. તેમણે રબારી સમાજ દ્વારા 500 ગાડીઓ લઈને સભા કરવાની વાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જો યુવાનોને સુધારવા માટે સભા હોય તો અમે પણ તેમાં ભાગ લઈશું. આગળ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વિજય માંગુકિયાએ એવું કહ્યું હતું કે મારી પાસે 33 ફરિયાદો છે. જેમાંથી 30 ફરિયાદો રબારી સમાજના લોકોની છે. આ નિવેદન પરથી તેમણે સૂચવ્યું હતું કે આ સમાજના કેટલાક લોકો ખોટા માર્ગે જઈ રહ્યા છે. પાટીદાર સમાજે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ સમાજે કોઈ અપરાધીને બચાવવા માટે આગળ આવવું જોઈએ નહીં.

અમારો વિરોધ કોઈ સમાજ પ્રત્યે નથી : પાટીદાર

અપરાધીને તેની સજા મળવી જ જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓથી સમાજનું નામ ખરાબ થતુ હોય છે. તેથી દરેક સમાજે પોતાના યુવાનોને સારા માર્ગે વાળવા માટે પ્રયાસ કરવો જોઈએ. આ મામલો હવે બે સમાજ વચ્ચેના વિવાદનું રૂપ ધારણ કરી રહ્યો છે. જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. બંને સમાજના આગેવાનોએ સંયમ જાળવીને આ મામલાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જોઈએ તેવી લોકલાગણી છે.


  • Follow us on: