ભાવનગર જિલ્લાના અલંગમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપો વચ્ચે મહિલાઓએ કાયદો પોતાના હાથ લીધો છે. જાહેરમાં દારૂ વેચવા અને પીવાની પ્રવૃતિઓથી ત્રસ્ત મહિલાઓ જેમાં મહિલા સરપંચનો પણ સમાવેશ થાય છે તેમણે બુટલેગરોને જાહેરમાં જ ધોલાઈ કરી હતી. આ ઘટનાનોવીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.


જાહેરમાં દારુ વેચવા અને પીવા મામલે કરી ધોલાઇ

તમને જણાવી દઈએ કે, અલંગ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા જાહેરમાં દારૂનું વેચાણ અને સેવન કરવામાં આવતું હતું. સ્થાનિક મહિલાઓ દ્વારા આ અંગે પોલીસ તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં મહિલાઓએ જાતે જ આ દૂષણને ડામવાનો નિર્ણય કર્યો. બે યુવકો જાહેરમાં દારૂ વેચી અને પી રહ્યા હતા ત્યારે મહિલા સરપંચ સહિત અનેક મહિલાઓ એકથી થઇ હતી. આક્રોશિત મહિલાઓએ આ બંને યુવકોને જાહેરમાં જ લાકડી વડે ફટકાર્યા હતા. મહિલાઓના આ ઉગ્ર સ્વરૂપને જોઇને ત્યાં હાજર અન્ય લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

પોલીસ તંત્રએ કાર્યવાહી ન કરતા મહિલાઓ મેદાને

આ ઘટનાનો વીડિયો કોઈ નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો જે બાદમાં વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે મહિલાઓ દારૂડિયાઓને પાઠ ભણાવી રહી છે. આ ઘટનાએ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉભા કર્યા છે અને સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે. મહિલાઓના આ પગલાથી સમાજમાં દારૂબંધીના અમલ અને કાયદો વ્યવસ્થાની જાળવણી પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત થયું છે.


  • Follow us on: