ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલા વડવા ચાવડી ગેટ પાસે મનપાના ડ્રેનેજ વિભાગની ગાડી સળગાવી નાખવાની બનેલી ઘટનાને લઈ નિલમબાગ પોલીસ મથક ખાતે નોંધાયેલી ફરિયાદને આધારે નિલમબાગ પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે આજે આરોપીને ઝડપી લઈને ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું.


ગાડી ઉપર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી

ભાવનગર શહેરના વડવા તલાવડીમાં રહેતા જયદીપ વાઘેલાએ નિલમબાગ પોલીસ મથક વિસ્તારમાં ગૌતમ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ ગૌતમ પરમાર પહેલા મનપાની ડ્રેનેજ વિભાગની ગાડી ચલાવવાની નોકરી કરતો હતો અને નોકરી નિયમિત આવતો ના હોવાથી સુપરવાઈઝરે ગૌતમ પરમારને છુટો કરી નાખ્યો હતો. આ બાબતની દાઝ રાખીને ગૌતમ પરમારે ચાવડી ગેટ પોલીસ ચોકી નજીક થોડા દિવસ પહેલા ગાડી ઉપર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં નિલમબાગ પોલીસે આરોપી ગૌતમ પરમારની ધરપકડ કરી હતી. આજ રોજ આ આરોપી ગૌતમ પરમારને ઘટનાસ્થળે લાવી ઘટનાનું રી-કન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું.

2 લોકોના આ અકસ્માતમાં મોત નિપજ્યા

તમને જણાવી દઈએ કે ભાવનગરમાં 2 દિવસ પહેલા કાળિયાબીડ શક્તિ માતાના મંદિર પાસે થયેલા હિટ એન્ડ રન કેસ મામલે મોટી કાર્યવાહી કરાઈ છે. પોલીસ પુત્રએ બેફામ રીતે કાર ચલાવી 5થી વધુ લોકોને અડફેટે લીધા હતા. 2 લોકોના આ અકસ્માતમાં મોત નિપજ્યા છે. નિલમબાગ પોલીસે આરોપી પોલીસ પુત્ર હર્ષરાજસિંહ ગોહિલની ધરપકડ કરી છે. આરોપી પોલીસ પુત્રને ઘટનાસ્થળે લાવી ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે.


  • Follow us on: