કચ્છભરમાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાતના સમયે આકાશમાં આતશબાજીનાં રંગો અને ધડાકા છવાયા હતા. ભુજમાં વર્ષો જૂની પરંપરા મુજબ હમીરસર તળાવના કિનારા ઉપરનાં મંદિરોમાં હાટકેશ્વર, ધિંગેશ્વર, રઘુનાથજી, સોમનાથ મહાદેવ, કલ્યાણેશ્વર, રામ દરબાર, સત્યનારાયણ મંદિર સહિતનાં મંદિરોમાં પહેલા પહોરની આરતીમાં ભાવિકો ઉમટી પડયા હતા.
લોકોએ ફટાકડા ફોડવાની સાથે સેલ્ફી લેવાનો પણ આનંદ ઉઠાવ્યો
રોશનથી શણગારાયેલા મંદિરમાં ઢોલ, નગારા સાથે સંગીતમય આ રીતને પગલે સવારનાં પહોરમાં કિનારા ગુંજી ઉઠયા હતા. ભાવિકોએ દિવાળીની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ હમીરસર તળાવના કિનારે મહાદેવ ગેટથી રાજેન્દ્ર પાર્ક સુધી શહેરીજનોએ ભરપૂર આતશબાજી કરી હતી. બોમ્બ, ડબલ ધડાકા, ભંભૂ, જમીન ચક્કર, રોકેટ, બટરફ્લાય સહિતના ફટાકડા સાથે ધૂમધડાકાભેર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. વળી, આ વખતે ચોમાસામાં હમીરસર તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું. ત્યારે પાણીથી ભરેલા હમીરસર તળાવના કિનારે લોકો દ્વારા પરિવાર સાથે ફટાકડા ફોડવાની સાથે સેલ્ફી લેવાનો પણ આનંદ ઉઠાવ્યો હતો. બાદમાં લારીઓ ઉપર નાસ્તાની જયાફત ઉડાવવાની સાથે દિવાળી નિમિત્તે દાન-પુણ્ય પણ કરવામાં આવ્યું હતું.













