ધનતેરસના પવિત્ર દિવસે કચ્છના ભુજમાં આવેલ સ્મૃતિવન ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપમાં અવસાન પામેલા હજારો લોકોની યાદમાં આ સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે દીપોત્સવ યોજાયો હતો. ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલું આ સ્મૃતિવન આ દિવસે રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.
જોવા મળ્યો અદભુત આકાશી નજારો
ફ્રેન્ડ્સ ગ્રુપ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી અહીં 51,000 જેટલા દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં દીવડાઓ પ્રગટાવવાને કારણે સ્મૃતિવનનો આકાશી નજારો અત્યંત મનમોહક અને અદભુત જોવા મળ્યો હતો. જેણે સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ વર્ષે દીપોત્સવના કાર્યક્રમમાં વધુ આકર્ષણ ઉમેરવા માટે આતશબાજી અને રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.













