ભુજમાં પુષ્ય નક્ષત્રની જેમ જ ધનતેરસના દિવસે પણ સોના-ચાંદીનાં આભૂષણોની લોકો દ્વારા ધૂમ ખરીદી કરવામાં આવતાં વેપારીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. લોકોએ આભૂષણોની સાથે સાથે સિક્કા, ગીની સહિતની પણ મન ભરીને ખરીદી કરી છે. શુકન સાચવતાં વેપારીઓને દિવાળી ફળી છે. આમ તો દિવાળી બાદ તુરંત લગ્નસરાની સિઝન શરૂ થઈ રહી છે, જેને કારણે પણ અત્યારે તૈયાર આભૂષણોની ખરીદીમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ધનતેરસના શુભમુહૂર્તમાં સવારથી જ વિવિધ શો-રૂમમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.


લોકોએ તૈયાર ઘરેણાંની ખરીદી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો

ધનતેરસના દિવસે થોડે ઘણે અંશે પણ સોના-ચાંદીની ખરીદી કરીને લોકો શુકન સાચવતા હોય છે. તેને કારણે પણ ભુજમાં લોકોએ સવારથી જ સોનાના ઘરેણાની ખરીદી માટે ઉમટી પડતાં શહેરના વિવિધ શો-રૂમોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને દિવાળીના તહેવાર બાદ લગ્નસરાની સિઝન પણ પુર બહાર ખીલી ઉઠશે. જેને ધ્યાને લઈને લોકોએ તૈયાર ઘરેણાંની ખરીદી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો તો જે લોકો રોકાણ કરવા ઈચ્છી રહ્યા છે, તેવા લોકોએ પણ બિસ્કીટ, ગીની, લક્ષ્મીજીનો સિક્કો સહિતની ખરીદી કરીને શુકન સાચવ્યુ હતું.

લોકોએ સોના-ચાંદીની ખરીદીમાં પોતાની ખરીદ શક્તિ બતાવી

જે રીતે પુષ્ય નક્ષત્રના દિવસે લોકોએ મન ભરીને સોના-ચાંદીની ખરીદીમાં પોતાની ખરીદ શક્તિ બતાવી હતી, તેને કારણે ધનતેરસ પણ આ જ રીતે શુકનિયાળ સાબિત થશે તેવું વેપારીઓને પહેલાથી જ અનુમાન હતું અને તે મુજબ જ શો-રૂમને પણ વિવિધ ડિઝાઈનો સાથે આભૂષણો, વીંટી, બંગડી સહિતની વસ્તુઓને શો કેસમાં ગોઠવીને સજ્જ થઈ ગયા હતા.

  • Follow us on: