દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, શુક્રવારે અગિયારસથી લઈને છેક લાભપાંચમ સુધી સળંગ તહેવારોની ઉજવણી કરવામાં આવશે. ત્યારે વર્ષના સૌથી મોટા તહેવારની ઉજવણીને લઈને લોકો પોતાની ખરીદ શક્તિ પણ બતાવી રહ્યા છે. ત્યારે ભુજની બજારમાં હાલે સૌથી વધુ ગ્રાહકો કાપડ બજારમાં, બૂટ-ચંપલની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. જ્યારે બાકીના અન્ય ધંધાર્થીઓને ત્યા અગિયારસથી ખરીદીનો ધમધમાટ જોવા મળશે. જેમાં ઈલેક્ટ્રોનિક્સ બજારનો પણ સમાવેશ થાય છે. હાલ ઈન્કવાયરી અને બુકિંગનો દોર ચાલી રહ્યો છે. લોકો ધનતેરસના દિવસે શુભમુહૂર્તમાં ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ડિલિવરી લેશે.
મોટી સ્ક્રીનવાળા ટીવી અને ડબલ ડોરવાળા ફ્રિઝની હાલ ઈન્કવાયરી સૌથી વધુ
સામાન્ય રીતે દિવાળીના દિવસોમાં સૌથી વધુ ટીવી અને ફીઝનું વેચાણ થતું હોય છે. આ સિવાય ઘર વપરાશની અન્ય વસ્તુઓ જેવી કે મિક્સર, બ્લેન્ડર, ઈસ્ત્રી, ઘરઘંટી સહિતની વસ્તુઓ લોકો ખરીદતા હોય છે. જોકે, જે રીતે તૈયાર વસ્ત્રો, બૂટ ચંપલ સહિતની દુકાનોમાં ગ્રાહકોની ભીડ ઉમટી રહી છે, તેની સરખામણીએ ઈલેક્ટ્રોનિક્સ બજારમાં હાલ છૂટક છૂટક ગ્રાહકો જોવા મળી રહ્યા છે. મોટાભાગે સાંજના સમયે લોકો ટીવી, ફ્રિઝ સહિતની વસ્તુઓ પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. ખાસ કરીને મોટી સ્ક્રીનવાળા ટીવી અને ડબલ ડોરવાળા ફ્રિઝની હાલ ઈન્કવાયરી સૌથી વધુ જોવા મળી રહી છે. આ વખતે જીએસટીમાં પણ ઘટાડો થયો હોવાને કારણે લોકો મોટી સ્કીનના ટીવી અને ડબલ ડોરવાળા ફ્રિઝની સાથે સાથે એસી પણ બુક કરાવી રહ્યા છે.













