દર વર્ષે ખાસ કરીને દિવાળીના તહેવારો દરમ્યાન લોકો પોતાના ઘરને, આંગણાને રંગબેરંગી લાઈટોથી શણગારતાં હોય છે. જેને ધ્યાને લઈને હાલે બજારમાં પણ વેપારીઓ દ્વારા અનેકવિધ વેરાયટીમાં સિરીઝ ઉપલબ્ધ કરવામાં આવી છે. તોરણથી લઈને આખા ઘરને શણગારી શકાય એટલી લાંબી અવનવી ડીઝાઇની સિરીઝની હાલે સારી એવી ડિમાન્ડ જોવા મળી રહી છે. ચાઈનાની સામે આ વખતે મેડ ઈન ઇન્ડિયાએ મેદાન માર્યું છે. ભુજની બજારમાં 95 ટકા મેડ ઈન ઈન્ડિયાની સિરીઝનો દબદબો જોવા મળી રહ્યો છે.


છેલ્લા ચારેક વર્ષથી લોકોનો ક્રેઝ બદલાયો

લોકો પણ મેડ ઈન ઈન્ડિયાની સિરીઝની જ માગ કરી રહ્યા છે. આમેય ચાઇનાની સિરીઝ ભાવમાં થોડી સસ્તી હોવાને કારણે પહેલા લોકો તેને પ્રાથમિક્તા આપતા હતા, પરંતુ છેલ્લા ચારેક વર્ષથી લોકોનો ક્રેઝ બદલાયો છે, કારણ કે ચાઈનાની સિરીઝ રીપેરેબલ નથી, લેમ્પ પણ બદલી શકાતા નથી. જેની સામે મેડ ઈન ઈન્ડિયાની બનાવટની લાઈટમાં લેમ્પ બદલી શકાય છે, તેમજ તે રીપેર પણ થઇ શકે છે. જેને કારણે આ સિરીઝ ઉપર લોકો પસંદગીનો કળશ ઢોળતા થયા છે. તેના કારણે આ વખતે માર્કેટમાં પણ અનેકવિધ વેરાયટી સભર 90 ટકા મેડ ઈન ઈન્ડિયાની સિરીઝે પોતાનો કબ્જો જમાવી લીધો છે.

છેલ્લા ચારેક વર્ષથી લોકો ભારતીય બનાવટની સિરીઝને વધુ પસંદ કરતા થયા હતા. જેના પરિણામે અનેકવિધ વેરાયટી સભર સિરીઝ માર્કેટમાં ઉપલબ્ધ થવા લાગી છે. આ વર્ષે તો લોકલ ફોર વોકલને કારણે પણ લોકો સામેથી મેડ ઈન ઈન્ડિયાની સિરીઝ માગતા થયા છે, જેના કારણે વેપારીઓનો પણ ઉત્સાહ વધ્યો છે. વળી, ચાઈનાને પણ ટક્કર મારે તેવી સિરીઝ માર્કેટમાં ઉપલબ્ધ હોય લોકો પહેલા મેડ ઈન ઈન્ડિયાની સિરીઝ ખરીદવાને જ પ્રાથમિક્તા આપી રહ્યા છે. જે રીતે સિરીઝનું વેચાણ થઈ રહ્યું છે, તે જોતા આ દિવાળીના તહેવારોમાં મોટાભાગના ઘરના આંગણા લાઈટોના શણગારથી ઝળહળતા જોવા મળશે.

પહેલા કોડિયામાં તેલ પુરીને આંગણાને દિપાવવામાં આવતા

દિવાળીના તહેવારોમાં લોકોમાં પોતાના ઘરનું આંગણુ રોશનીથી ઝગમગાવવાનો ક્રેઝ આદિકાળથી ચાલ્યો આવે છે. પહેલા કોડિયામાં તેલ પુરીને આંગણાને દિપાવવામાં આવતું હતું, પરંતુ જેમ જેમ કોડિયા અને તેલના ભાવોમાં વધારો થયો તેમ તેમ કોડિયાનું સ્થાન સસ્તી સિરીઝે લઈ લીધું હતું. લોકોની આ માનસિકતાને ધ્યાને લઇને જ બજારમાં ચાઇનાની સસ્તી સિરીઝ માર્કેટમાં ચાલતી હતી.

ઈન્ડીયન કન્ડીલ્સ (ગુબારા ટાઈપ)માં પણ અનેકવિધ વેરાયટી

ભુજમાં રંગબેરંગી લાઇટોનું વેચાણ કરતાં પિત ઝવેરીએ કહ્યું હતું કે, ભુજની માર્કેટમાં હાલ 90 ટકા મેડ ઈન ઇન્ડિયાનો માલ જ જોવા મળી રહ્યો છે. કારણ કે, આ વખતે ચાઈનાની સિરીઝને પણ ટક્કર મારે તેવા આધુનિકલ લુકમાં મેડ ઈન ઈન્ડિયાની સિરીઝ લોકોનું મન મોહી રહી છે. કારણ કે, આ વખતે ચાઇના કરતાં પણ ભારતીય બનાવટની સિરીઝમાં સારા એવા સેપ આવ્યા છે. જેમાં સુગરકેન, ગણેશનાં મોદક હોય તેવા સેપમાં, સિમ્પલ સાદી એલઇડીમાં સિરીઝ ઉપલબ્ધ છે, તેમજ ઇન્ડીયન કન્ડીલ્સમાં પણ (ગુબારા ટાઈપ)માં અનેકવિધ વેરાયટીમાં માર્કેટ સર કર્યું છે. આ કન્ડીલ્સમાં અલગ-અલગ ટાઈપની કોતરણી, પ્લાસ્ટીક અને પેપરનાં વિવિધ કલરીને કારણે વધુ આકર્ષક લાગે છે. લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે.

આખા ઘરને શણગારી શકાય તેવી લાંબી સિરીઝની વધુ ડિમાન્ડ

વેપારી વિનોદભાઈ સોનીએ જણાવ્યું હતું કે, આ વખતે ચાઈનાને બદલે લોકોમાં મેડ ઈન ઈન્ડિયાની સિરીઝની માંગ વધુ જોવા મળી રહી છે. વળી, આ વખતે ઇન્ડિયન સિરીઝમાં પુષ્કળ પ્રમાણમાં વેરાઇટીઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. લેમ્પમાં મુખ્યત્વે ડાયમંડ કટ, રોકેટ કટ, ગોળ ટાઇપ એમ અલગ-અલગ ડિઝાઈની સિરીઝ લોકો પસંદ કરી રહ્યા છે. હાલે માર્કેટમાં 95, 100, 150થી 200 ફુટ જેટલી લાંબી સિરીઝની માગ વધુ છે. કારણ કે, આખા ઘરને શણગારી શકાય તે બાબતને લોકો પ્રાથમિક્તા આપી રહ્યા છે. માર્કેટમાં હાલ રૂ. 150થી લઈને 1600 સુધીની સિરીઝ ઉપલબ્ધ છે.

  • Follow us on: