દર વર્ષે વૈષ્ણવ સંપ્રદાય તથા સ્વામિનારાયણ સંપ્રદાયમાં દિવાળી પછીના દિવસોમાં એટલે કે બેસતા વર્ષના દિવસે ભગવાનને છપ્પન ભોગ ધરાવીને અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન નરનારાયણદેવના સાનિધ્યમાં અન્નકૂટ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં પ્રભુને 175થી વધુ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મંદિરના વહીવટી કાર્યવાહક કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યુ હતું કે, મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવજીવનદાસજીના માર્ગદર્શન હેઠળ 50થી વધુ સંતો દ્વારા 56 ભોગ સાથે 175થી વધુ અવનવી વાનગીઓના થાળ બનાવીને આગામી 22 ઓક્ટોબરે નરનારાયણ દેવ સહિતના દેવોને અન્નકૂટ અર્પણ કરવામાં આવશે. અન્નકૂટ બનાવાની કામગીરીમાં સંતો સાથે સાથે 100થી વધુ હરિભક્તો અને સાંખ્યયોગી બહેન પણ સેવામાં જોડાયા છે.
મહાઅન્નકૂટ તૈયાર કરવામાં 20 દિવસ જેટલો સમય લાગે છે
મહાઅન્નકૂટનાં નિર્માણ માટે દિવાળીનાં તહેવારનાં 20 દિવસ પૂર્વથી જ સંતો, હરિભક્તો, સાંખ્યયોગી બહેનો અનેકવિધ અવનવી વાનગીઓની તૈયારીમાં લાગી ગયા છે. હજારો કિલો અનવી વેરાઈટીઓ તૈયાર કરવામાં આવે છે. આ માટે ૫૦૦થી ૬૦૦ ડબા ઘીનો, ૬૦૦ ડબા તેલનો, ૮૦૦ બોરી ખાંડનો અને ૨ હજાર કિલો ચણાનો લોટ, મેંદાનાં લોટનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં અલગ અલગ બેસનમાંથી મુખ્યત્વે ફાફડા, મગજ, સુખડી, મોતિયા લાડુ, કણી મોહનથાળ બનાવવામાં આવશે. આ સિવાય મિષ્ટાનમાં મેસૂક, સકરપારા, સાટા, બુંદી, અડદિયા, ટોપરાપાક, ગુલાબપાક, પેંડા, બરફી, અમૃતપાક, ગુંદરપાક, સાલમપાક, ઘેવર તથા ફરસાણમાં ગાંઠિયા લાકડિયા, અનેક પ્રકારનાં ચેવડા, ચવાણા, ખારી બુંદી સહિતનાં અલગ અલગ જાતનાં પકવાન, સૂકા મેવા, ફળ ફળાદીનો સમાવેશ થાય છે.
દેશ-વિદેશમાં રહેતા હરિભક્તોને અન્નકૂટ પ્રસાદ પહોંચાડાશે
આગામી તા. ૨૨ ઓક્ટોબરનાં નરનારાયણ દેવ સન્મુખ ધરાવવામાં આવનારા મહાઅન્નકૂટનાં પ્રસાદનો માત્ર કચ્છ-ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ હરિભક્તો સુધી પહોંચાડવામાં આવશે, જેમાં અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેન્યા, તાંઝાનિયા, નૈરોબી, યુગાન્ડા, ન્યુઝીલેન્ડ, યુએઈ તથા અન્ય દેશોનો સમાવેશ થાય છે. આ મહાઅન્નકૂટ પ્રસાદનો ૮૦ હજારથી પણ વધારે હરિભક્તોને લાભ મળી શકે તેવી વ્યવસ્થા કરવા મહંત સ્વામી દ્વારા સંતોને સૂચના આપવામાં આવી છે.