દિવાળીના દિવસોને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે લોકો મીઠાઈ-ફરસાણ આરોગવાની સાથે ફટાકડા ફોડીને પણ તહેવારની ઉમંગભેર ઉજવણી કરતા હોય છે. ત્યારે લોકોને ફટાકડા સરળતાથી અને એક જ જગ્યાએથી મળી રહે તેમજ ફટાકડાના વેચાણને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા દર વર્ષે હંગામી ફટાકડાના વેચાણનો પરવાનો આપવામાં આવતો હોય છે. જેને ધ્યાને લઈને આ વખતે ભુજ અને માધાપરમાંથી કુલ 60થી વધુ લોકોએ ફટાકડાના હંગામી વેચાણના પરવાના માટે અરજી કરી છે.


ભુજ ખાતે મિરઝાપર રોડ ઉપર હંગામી ફટાકડા બજાર અસ્તિત્વમાં આવશે

ભુજ મામલતદાર તેજસ પટેલના જણાવ્યા અનુસાર હંગામી ફટાકડાનું વેચાણ કરવાની જે પણ વેપારી-ફેરિયાઓને ઈચ્છા હોય તો તેમને તંત્ર દ્વારા પરવાનો આપવામાં આવતો હોય છે. ત્યારે આ વખતે ભુજ અને માધાપરમાં મળીને કુલ 60થી વધુ લોકોએ અરજી કરી છે, જેમાંની અમુક અરજીઓ સ્વતંત્ર વેચાણ માટેની પણ છે. આ તમામ અરજીઓ અંગે હાલે વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થયેથી ફટકાડના વેચાણનો પરવાનો આપી દેવામાં આવશે. આ વખતે પણ ભુજ ખાતે મિરઝાપર રોડ ઉપર હંગામી ફટાકડા બજાર અસ્તિત્વમાં આવશે. જ્યારે માધાપર ખાતે યક્ષ મંદિરની સામેના ગ્રાઉન્ડમાં ફટાકડાના વેચાણ માટે બજાર ઊભી કરાશે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

વેચાણનો પરવાનો મેળવ્યા બાદ ફટાકડાનું વેચાણ કરી શકાશે

નોંધનીય છે કે, હંગામી ફટાકડાના વેચાણનો પરવાનો મેળવ્યા સિવાયનાં જે પણ લોકો ફટાકડાનું વેચાણ કરશે, તેની સામે તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવશે. ખાસ કરીને શહેરના હાર્દસમા વિસ્તારમાં રેકડી ઊભી રાખીને કે નીચે પાથરણા મૂકીને ફટકાડાનું વેચાણ કરતા નજરે પડતા હોય છે, ત્યારે આવા નાના ફેરિયાઓને કારણે ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ ભીતિ સેવાતી હોય છે. વળી, જે દુકાનદારોએ ફટાકડાનો પરવાનો લીધો હોય તેમને પણ નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે.

  • Follow us on: