જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વના સમાપન બાદ મુમુક્ષુઓએ એકબીજાને મિચ્છામિ દુક્કડ્મ કરીને ક્ષમાયાચના કરી હતી. પર્વ દરમ્યાન જે કોઈ મુમુક્ષુએ જપ-તપ કર્યા હતા, તેઓના સન્માન માટે ભુજમાં સાત સંઘ દ્વારા પ્રભુજીનો તથા તપસ્વીઓનો વાજતે-ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. શહેરના વાણિયાવાડના આદિનાથ જિનાલયેથી નિકળેલો વરઘોડો મુખ્ય મુખ્ય રસ્તાઓ ઉપર ફર્યો હતો.
મોટી સંખ્યામાં લોકો જોડાતા શહેરના રસ્તાઓ મહાવીરમય બન્યા
જેમાં ભુજ જૈન સાત સંઘ પ્રમુખ સ્મિતભાઇ ઝવેરી તથા સંઘોના પદાધિકારીઓ, શ્રાાવક-શ્રાાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. વરઘોડામાં 3 જેટલા સુશોભિત ઈલેક્ટ્રિક વાહનમાં તપસ્વીઓને બેસાડવામાં આવ્યા હતા, બાળ તપસ્વીઓને ઉંટગાડીમાં તથા ભગવંતો પગપાળા જોડાયા હતા. ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે નિકળેલા વરઘોડોમાં સાધુ-સાધ્વી સહિત સકળ સંઘના મોટી સંખ્યામાં લોકો જોડાતા શહેરના રસ્તાઓ મહાવીરમય બન્યા હતા. આ પ્રસંગે માનવ જ્યોતના પ્રબોધ મુનવર સહિતના આગેવોનો પણ જોડાયા હતા. વરઘોડો નિયત રૂટ ઉપરથી પસાર થઈને વાણિયાવાડ ખાતે પહોંચ્યો હતો. જેમાં અહિંસાનો ઉપદેશ આપનારા ભગવાન મહાવીર સ્વામીનો જય જય કાર કરાયો હતો.
રથને યુવા ભક્તો દ્વારા હાથેથી ખેંચવામાં આવ્યો
પ્રભજીનો રથ, પ્રભુ મહાવીર સ્વામીનું પારણું, સ્તવનોની રમઝટ બોલાવતા મહિલા મંડળો, ધૂન બોલાવતા બાળકો તેમજ શ્રાવકોએ વરઘોડામાં ભારે જમાવટ કરી હતી. વરઘોડો જોવા માટે રસ્તાની બંન્ને બાજુમાં મોટી સંખ્યામાં લોકો ઉભા રહી ગયા હતા. વરઘોડાના અંતના ભાગમાં સોના-ચાંદીનો રથ અને તેમાં ભગવાન મહાવીર સ્વામીને બિરાજમાન કરવાની સાથે સાથે આ રથને યુવા ભક્તો દ્વારા હાથેથી ખેંચવામાં આવ્યો હતો.