આગામી 9 ઓગસ્ટે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને ધ્યાને લઈને પોસ્ટ વિભાગ દ્વારા ખાસ ડિઝાઈન કરેલા રંગબેરંગી વોટરપ્રૂફ કવર બહાર પાડવામાં આવ્યા છે. જે ભુજની હેડપોસ્ટ ઓફિસની સાથે સાથે ગાંધીધામ, મુન્દ્રા સહિતની તાલુકા કક્ષાની પોસ્ટ ઓફિસોમાં પણ વેચાણ અર્થે રાખવામાં આવ્યા છે. હેડ પોસ્ટ ઓફિસ દ્વારા કુલ 2000 કવર મગાવવામાં આવ્યા હતા. આ તમામ કવરોનું વેચાણ થઈ ગયું છે અને હવે નવો સ્ટોક મગાવવામાં આવ્યો છે. આ કવર આકર્ષક હોવાને કારણે બહેનો દૂરદરાજ રહેતા ભાઈઓએ રાખડી પહોંચાડવા માટે પસંદ કરી રહી છે, પરિણામે ડિમાન્ડ વધુ રહેતા હાલ પોસ્ટ ઓફિસમાં વોટરપ્રૂફ કવરનો સ્ટોક ખાલી થઈ ગયો છે.
વોટરપ્રૂફ કવર રક્ષાબંધનને ધ્યાને લઈને ખાસ તૈયાર કરવામાં આવ્યું
આ બાબતે વધુ માહિતી આપતા હેડ પોસ્ટ માસ્તર યુનુસ ડેકોટાએ જણાવ્યું હતું કે, આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાને લઈને પોસ્ટ વિભાગ દ્વારા બહેનોને સરળતા રહે, વરસાદને કારણે રાખડી ભીંજાય નહીં તેના માટે વોટરપ્રૂફ કવર બહાર પાડવામાં આવ્યા છે. આ કવર અલગ અલગ ચાર જેટલી ડિઝાઈનોમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેની કિંમત 10 રૂપિયા રાખવામાં આવી છે. પોસ્ટ માટેનો ખર્ચ અલગથી આપવો પડશે. આ વોટરપ્રૂફ કવર રક્ષાબંધનને ધ્યાને લઈને ખાસ તૈયાર કરવામાં આવ્યું હોય સ્વાભાવિક પણે જ તેની ડિઝાઈન પણ આ તહેવારને ધ્યાને લઈને બનાવાઈ છે, કવર ઉપર રક્ષાબંધનના લોગોની સાથે આકર્ષક સ્ટાઈલમાં રક્ષાબંધન લખેલું છે. જે અન્ય કવરથી અલગ તરી આવે છે, પરિણામે પોસ્ટ વિભાગને પણ વિતરણ કરવામાં સરળતા રહેશે.
2000 જેટલા વોટરપ્રૂફ કવર મગાવવામાં આવ્યા હતા
ભુજની હેડ પોસ્ટ વિભાગ દ્વારા કુલ 2000 જેટલા વોટરપ્રૂફ કવર મગાવવામાં આવ્યા હતા, જેમાંથી ગાંધીધામ, મુન્દ્રા સહિતની તાલુકાની પોસ્ટઓફિસોમાં કવરો મોકલી આપવામાં આવ્યા હતા. હાલ ભુજની હેડ પોસ્ટ ઓફિસમાં વોટરપ્રૂફ કવરનો સ્ટોક પૂર્ણ થઈ ગયો છે અને નવો સ્ટોક મગાવવામાં આવી રહ્યો છે, જે આવતાની સાથે જ વેચાણ અર્થે મૂકવામાં આવશે. પોસ્ટ વિભાગ દ્વારા રાખડી ઝડપથી તેના સરનામે પહોંચે તે માટે પોસ્ટ ઓફિસોમાં અલગથી પોસ્ટ બોક્સ પણ મૂકવામાં આવ્યા છે. જેને કારણે પોસ્ટના કર્મચારીઓને પણ રાખડીના કવરને અલગ તારવવામાં મુશ્કેલી પડતી નથી અને જે તે સરનામે સમયસર પહોંચાડવામાં સરળતા રહેશે.
રાખડી, મીઠાઈ, ભેટ માટે રાખડી ગિફ્ટ બોક્સ ઉપલબ્ધ
પોસ્ટ વિભાગ દ્વારા આ વખતે પહેલીવાર રક્ષાબંધનના તહેવારને ધ્યાને લઈને ખાસ પ્રકારના બોક્સ પણ વેચાણમાં મૂકવામાં આવ્યા છે. વિવિધ ત્રણ પ્રકારના રાખડી ગિફ્ટ બોક્સ દ્વારા બહેનો રાખડીની સાથે સાથે મીઠાઈ તથા ભેટ પણ મોકલી શકશે. પોસ્ટ ઓફિસના કાઉન્ટર ઉપરથી આ બોક્સ રૂ. 45, 50 અને રૂ. 60ના ભાવે નાગરિકોને મળી રહેશે. વિભાગમાં હાલ 50 બોક્સનો સેટ ઉપલબ્ધ છે. કચ્છમાં ખાસ કરીને બહેનો વિદેશમાં રાખડી, ભેટ, મીઠાઈ મોકલવા માટે આ બોક્સ ઉપર પસંદગી ઉતારી રહ્યા છે.