ધોરડો ખાતે રણોત્સવનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દર વર્ષની જેમ આ વખતે પણ રણમાં ટેન્ટ સિટી ઊભી કરવાની સાથે સાથે પ્રવાસીઓ કચ્છની કળાને નિહાળી શકે. ખરીદી શકે તે માટે ક્રાફ્ટ સ્ટોલ ઊભા કરવાની સાથે સાથે કચ્છની વાનગીઓનો પણ પ્રવાસીઓ આનંદ માણી શકે તે માટે ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. અહીં કચ્છનાં કારીગરોને પ્રદર્શની સાથે વેચાણની તક મળે તે માટે કારીગરો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી.જેના પગલે કુલ ૧,૪૦૧ અરજીઓ આવી હતી. આ તમામ કારીગરોને રણોત્સવમાં વેચાણ માટેની તક મળે તે માટે કમ્પ્યૂટરાઇઝ ડ્રો કરવામાં આવ્યો હતો.આ વખતે ૭-૭ દિવસનાં કુલ ૧૪ રાઉન્ડમાં કારીગરોને વેચાણ માટેની તક અપાઇ છે.


જિલ્લાભરમાંથી કુલ ૧,૪૦૧ અરજીઓ પ્રાપ્ત થઇ

આ બાબતે વધુ માહિતી આપતાં જિલ્લા લાઇવલીહૂડ મેનેજર ભાવિન સેંઘાણીએ જણાવ્યું હતું કે, ધોરડો ખાતે યોજાઇ રહેલા રણોત્સવ દરમિયાન હસ્તકળા સાથે સંકળાયેલ તેમજ તે પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ થાય તે માટે ટેન્ટ સિટી પાસે ક્રાફ્ટ સ્ટોલ તથા ખાણીપીણી માટે ફૂડ સ્ટોલ બજાર ઊભી કરવામાં આવી છે. આ ક્રાફ્ટ સ્ટોલ તથા ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા સખી મંડળ, સ્વસહાય જૂથના સભ્યો, કારીગરો પાસેથી તા.૨૭/૧૦થી ૧૦/૧૧ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના પગલે જિલ્લાભરમાંથી કુલ ૧,૪૦૧ અરજીઓ પ્રાપ્ત થઇ હતી, જેમાં ક્રાફ્ટ માટે ૧,૨૯૫ અને ફૂડ માટે ૧૦૬ અરજીનો સમાવેશ થાય છે.

કારીગરોને વસ્તુઓનાં વેચાણ માટેની તક અપાઇ

આ ક્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે આવેલી તમામ અરજીઓનો ભુજ હાટ ખાતે કમ્પ્યૂટરાઇઝ ડ્રો યોજવામાં આવ્યો હતો. કારીગરોની સંખ્યાને ધ્યાનમાં લઇને આ વખતે સાત-સાત દિવસ લેખે કુલ ૧૪ રાઉન્ડ મુજબ ક્રાફ્ટ સ્ટોલ તથા ફૂડ સ્ટોલ બજારમાં વેચાણ માટે તક આપવામાં આવી હોવાનું જણાવી ઉમેયંર્ુ હતું કે, રણોત્સવ ખાતે ઊભી કરવામાં આવી રહેલી ક્રાફ્ટ સ્ટોલ તથા ફૂડ સ્ટોલ બજારમાં કચ્છના કારીગરોને આગામી તા. ૨૩ નવેમ્બરથી તા. ૨૮ ફેબ્રુઆરી સુધી વિવિધ પ્રકારની વસ્તુઓનાં વેચાણ માટેની તક અપાઇ છે.


  • Follow us on: