ભુજ ખાતે મહિલા કોલેજમાં કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગનાં ઉપક્રમે ગુજરાત ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ એલાઈડ સાયન્સિસ એસોસિયેશન (TEASA)ની ૬ઠ્ઠી વાર્ષિક આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અર્થશાસ્ત્રીઓ, શિક્ષણવિદો, નીતિ-નિર્માતાઓ અને ઉદ્યોગ જગતનાં આગેવાનો હાજર રહ્યા હતા. ત્રી દિવસીય પરિષદનો મુખ્ય વિષય વિકસિત ભારત ૨૦૪૭ છે. જે અંતર્ગત પ્રારંભિક સત્રમાં ભારતના આર્થિક ભવિષ્ય, જ્ઞાનની શક્તિ અને ઝડપથી પરિવર્તિત થતી દુનિયામાં કૌશલ્ય વિકાસની જરૂરિયાત પર ચર્ચા કરવામાં આવી હતી.
પરિષદની રાષ્ટ્રીય સ્તરે વધતી પ્રાસંગિકતા
પ્રારંભમાં IEASAનાં સચિવ આલોક કુમારે ઓક્ટોબર ૨૦૧૮માં માત્ર સાત સ્થાપક સભ્યો સાથે શરૂ થયેલી IEASAની સફ્માં આજે એસોસિયેશન પાસે ૭૪૪ સભ્યો છે, પરિષદમાં ત્રણ દિવસ દરમિયાન ૧૨૭થી વધુ સંશોધન લેખો રજૂ થશે. આ મંચ સંવાદ, સંશોધન અને સહકાર માટે એક સક્રિય કેન્દ્ર બની ગયું છે. પ્રારંભમાં પરિષદ સંયોજક વિજય વ્યાસે જણાવ્યું કે, પરિષદની રાષ્ટ્રીય સ્તરે વધતી પ્રાસંગિકતા સ્પષ્ટપણે દેખાય છે. નોંધણી કરાવેલા પ્રતિનિધિઓમાંથી ૬૦થી વધુ પ્રતિનિધિઓ ગુજરાત બહારથી આવ્યા છે. કચ્છ યુનિ.નાં કુલપતિ ડૉ. મોહન પટેલે કચ્છ યુનિવર્સિટી એ કચ્છની સ્થિતિસ્થાપકતા અને વિકાસની સફ્ર પર પ્રકાશ પાડી કચ્છ આજે નવીનતા અને અવસરોથી ભરપૂર ભૂમિ બની ગયો હોવાનું જણાવ્યું હતું.













