ભુજની ખારી નદીના કિનારે પરંપરાગત ઋષિ પાંચમનો મેળો ભરાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં બહેનો ખારી નદીએ પહોંચી હતી. પહેલા ભૂતનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ખારી નદીમાં સ્નાન વિધિ સંપન્ન કરી સપ્તઋષિ મંદિરનાં દર્શન કર્યા હતા. બાદમાં દાન-પુણ્યનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભૂતનાથ સેવા સંસ્થા ટ્રસ્ટનાં નેજા હેઠળ હજારોની સંખ્યામાં ઉમટેલી મહિલાઓએ પ્રસાદનો પણ લાભ લીધો હતો.


સામો આરોગીને સામા પાંચમની ઉજવણી કરવામાં આવે છે

સામા પાંચમ તરીકે ઓળખાતી ઋષિ પાંચમના દર વર્ષે ભુજ સમીપ આવેલી ખારી નદીમાં મહિલાઓ સ્નાન કરીને સપ્તઋષિના દર્શન બાદ જ સામાનો પ્રસાદ ગ્રહણ કરે છે. બહેનો દ્વારા આખો દિવસ સામો આરોગીને સામા પાંચમની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ખારી નદી ખાતે ભુજ સહિત આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં બહેનો ઉમટી પડે છે. તેમ આ વખતે પણ વહેલી સવારથી જ બહેનોનો અવિરત પ્રવાહ ખારી નદી ભણી ઉમટયો હતો. જે રાત્રિ સુધી ચાલુ રહ્યો હતો. પ્રથમ ભૂતનાથ મહાદેવના દર્શન બાદ નદીમાં સ્નાન કરીને સપ્તઋષિ મંદિરના દર્શન કર્યા હતા. બાદમાં દાન-પુણ્યનો લાભ લીધો હતો.

બહોળી સંખ્યામાં બહેનોએ સામાનો પ્રસાદ ગ્રહણ કર્યો

મંદિરની બહાર વિશાળ જગ્યામાં મેળો ભરાયો હતો. અહીં ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા 10થી વધુ મોટા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ખાણી-પીણી તેમજ રમકડાંના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. બાળકો માટે ચગડોળ સહિતના મનોરંજનના સાધનો પણ ઉભા કરાયા હતા, જેનો પણ મહિલાઓએ ઉત્સાહભેર લાભ લીધો હતો. સાંજના સમયે બહેનોની વિશેષ ભીડ ઉમટી હતી. ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, મેનેજિંગ ટ્રસ્ટી પરાક્રમસિંહ જાડેજાના માર્ગદર્શનમાં છેલ્લા 16 વર્ષથી ઋષિ પાંચમના દિવસે ખારી નદીમાં સ્નાન માટે આવતી બહેનોને સામા સહિતનો ભોજન પ્રસાદ આપવામાં આવે છે. કુલ 8000થી વધુ બહેનોએ સામાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બહેનોને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સંસ્થાના 200થી વધુ યુવાનોની ટીમે ખડે પગે સેવા આપી હતી. અહીં સવારના 5 વાગ્યાથી લઈને રાત્રિના 9 વાગ્યા સુધીમાં 30,000થી વધુ બહેનોએ સપ્તઋષિની સાથોસાથ ભૂતનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.

  • Follow us on: