બોટાદના બરવાળાનો એક યુવક નોકરીની શોધમાં વિદેશ ગયો હતો. પરંતુ ત્યાં તેનું ભયાનક શોષણ થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આઠ મહિના પહેલા પોરબંદરના એક એજન્ટ દ્વારા મોઝામ્બિક મોકલવામાં આવેલા સરફરાજ ચુડસરા નામના યુવકે ભારત પરત ફરીને પોતાની આપવીતી જણાવી છે. જે ખૂબ જ ચોંકાવનારી છે. સરફરાજે જણાવ્યું હતું કે એજન્ટ શકિલ ખલીફાએ તેને મોઝામ્બિકમાં સારી નોકરી અને સુવિધાઓનું વચન આપ્યું હતું. જેમાં દર મહિને 1000 ડોલરનો પગાર, રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા તેમજ પરિવાર માટે વિઝાની ખાતરી આપવામાં આવી હતી.
સરફરાજ ચુડસરા સાથે મોઝામ્બિકમાં થયું શોષણ
પરંતુ જ્યારે સરફરાજ મોઝામ્બિક પહોંચ્યો ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. એજન્ટના વચનો સંપૂર્ણપણે ખોટા સાબિત થયા. સરફરાજને 1000 ડોલરને બદલે માત્ર 500 ડોલરનો પગાર આપવામાં આવતો હતો. જમવાની કોઈ વ્યવસ્થા ન હતી અને તેને જમીન પર સૂવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. જ્યારે તેણે આ બાબતે એજન્ટનો સંપર્ક કર્યો ત્યારે એજન્ટે હાથ અધ્ધર કરી દીધા અને કોઈ મદદ કરી ન હતી. આ ઉપરાંત કંપનીના માલિકે તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો અને તેને બંદી જેવો બનાવી દીધો હતો.
યુવકને 1000 ડોલરના બદલે અપાતા હતા 500 ડોલર
માલિકે સરફરાજને ધમકી પણ આપી હતી કે તારાથી જે થાય તે કરી લેજે. આવી કપરી પરિસ્થિતિમાં સરફરાજે ચાલાકીથી પોતાનો પાસપોર્ટ પાછો મેળવ્યો અને જેમ તેમ કરીને ભારત પાછો ફર્યો. ભારત આવીને તેણે મીડિયાને જણાવ્યું હતું કે હવે તેને જાણે જીવમાં જીવ આવ્યો છે. સરફરાજે વધુમાં ખુલાસો કર્યો હતો કે મોઝામ્બિકમાં હજુ પણ ઘણા ભારતીય યુવકો ફસાયેલા છે અને તેમનું શોષણ થઈ રહ્યું છે. તેઓને પગાર વગર મફત કામ કરવા માટે મજબૂર કરવામાં આવે છે.
યુવક ચાલાકીથી પાસપોર્ટ મેળવી ભારત પરત ફર્યો
સરફરાજે ભારત સરકાર અને દૂતાવાસને અપીલ કરી છે કે આ ફસાયેલા યુવકોને તાત્કાલિક મદદ કરીને તેમને વતન પરત લાવવામાં આવે. આ સાથે તેણે વિદેશ જવા ઇચ્છતા યુવકોને ચેતવણી પણ આપી છે કે કોઈપણ એજન્ટ પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો.