બોટાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકના ખિસ્સામાં અચાનક મોબાઇલ ફોન બ્લાસ્ટ થતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના શહેરના અશોક વાટિકા વિસ્તારમાં બની હતી. યુવકે તેના મોબાઈલ ફોનમાંથી કેટલાક મેસેજ ડિલીટ કર્યા હતા. મેસેજ ડિલીટ કર્યા બાદ તેણે પોતાનો ફોન ખિસ્સામાં મૂક્યો કે તરત જ ફોન અચાનક બ્લાસ્ટ થઈ ગયો હતો. ફોનમાં થયેલા આ અણધાર્યા વિસ્ફોટને કારણે યુવકના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.


યુવકને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

આ ઘટના બનતા જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને મદદ કરી હતી. તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ડોકટરો દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે અને તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મોબાઇલ ફોન બ્લાસ્ટ થવાના કિસ્સાઓ અગાઉ પણ બન્યા છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ હંમેશા ચિંતાનો વિષય બને છે.

મોબાઇલનો ઉપયોગ કરનારાઓમાં સાવચેતી રાખવા અંગે જાગૃતિ આવે તેવી ઘટના

નિષ્ણાતો માને છે કે જૂની બેટરી, ક્ષતિગ્રસ્ત બેટરી, ઓવરચાર્જિંગ અથવા અસલી ન હોય તેવી બેટરીનો ઉપયોગ કરવાથી આવા અકસ્માતો થઈ શકે છે. આ ઘટના બાદ મોબાઇલ ફોનનો ઉપયોગ કરનારાઓમાં સાવચેતી રાખવા અંગે જાગૃતિ આવી છે. લોકોએ પોતાના ફોનની બેટરી અને ચાર્જિંગ બાબતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ જેથી આવા અકસ્માતોથી બચી શકાય.


  • Follow us on: