બોટાદમાં પિસ્તોલ અને કારતૂસ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. બોટાદ SOG પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ તથા જીવતા કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. મુળ બોટાદના વતની અને હાલ રાજકોટના સાપર વેરાવળ પટેલ ઓઈલમીલમાં રહેતો નઈમભાઈ રફિકભાઈ ભાસને પોલીસે ઝડપી પાડ્યો છે. SOG PI એમ. જી. જાડેજાને બાતમી મળી હતી, જેના આધારે SOG PSI એ.એમ. રાવલ, એમ. એ. રાઠોડ અને ટીમે વોચ ગોઠવી હતી અને આરોપીને સકંજામાં લીધો હતો.
કાર, પિસ્તોલ, જીવતા કારતૂસ મળીને કુલ રૂપિયા 5.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
બોટાદના ઢાકણીયા રોડ પર પોલીસે ફોર વ્હીલર કારને કોર્ડન કરીને અટકાવી હતી અને ત્યારબાદ કારમાં તપાસ કરતા ગેરકાયદે પિસ્તોલ અને 4 જીવતાં કારતૂસ મળી આવ્યા હતા. SOG પોલીસે ફોર વ્હીલર કાર, પિસ્તોલ, જીવતા કારતૂસ મળીને કુલ રૂપિયા 5.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીની વધુ તપાસ કરતા આરોપી નઈમભાઈ રફિકભાઈ ભાસ પર ટાઉન પોલીસ સ્ટેશનમાં અગાઉ મારામારીનો ગુનો પણ નોંધાયેલો છે. હાલમાં આરોપી ગેરકાયદેસર હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનું હતું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પોરબંદર ગેંગ રેપ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો
પોરબંદરમા ગેંગ રેપ કેસના મુખ્ય આરોપી જયરાજ દિલીપ સુંડાવદરાની LCBએ ધરપકડ કરી છે. ગેંગ રેપ કેસના 4 આરોપીને LCBએ પકડી પાડ્યા છે અને જેમાંથી 2 આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. સામૂહિક દુષ્કર્મ કેસનો ત્રીજો આરોપી રાજુ લખમણભાઈ મૂળિયાસીયાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે મુખ્ય આરોપી જયરાજ દિલીપ સુંડાવદરાને LCBએ ઝડપી તાપસ હાથ ધરી છે.