બોટાદ જિલ્લાના હડદડ ગામે તાજેતરમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયતને લઈને ગામના સરપંચ સેજલબેન જમોડના પતિ સોમાભાઈ જમોડે ગંભીર આક્ષેપો સાથે મોટા ખુલાસા કર્યા છે. સોમાભાઈ જમોડે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ મહાપંચાયત ખરેખર આમ આદમી પાર્ટી (AAP)નું ષડયંત્ર હતું. તેમણે દાવો કર્યો કે આ સભા યોજવા માટે ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી અને પંચાયતને આ અંગે કોઈ જાણ પણ નહોતી. મહાપંચાયત મૂળભૂત રીતે માર્કેટિંગ યાર્ડમાં યોજાવાની હતી, પરંતુ રાજુ કરપડા અને તેમના સાથીદારો હડદડ ગામના કાચા રસ્તે અચાનક આવી પહોંચ્યા અને ત્યાં સભા શરૂ કરી દીધી, જેના કારણે આખો બનાવ બન્યો હતો.
ઉશ્કેરણીજનક ભાષણથી મામલો બન્યો તંગ
સોમાભાઈ જમોડના જણાવ્યા અનુસાર, કાચા રસ્તા પર સભા શરૂ થતાં આસપાસ રહેતા લોકો તેને જોવા માટે એકઠા થયા હતા. સભા દરમિયાન રાજુ કરપડાએ ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું, જેના કારણે મામલો એકદમ તંગ બન્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે રાજુ કરપડાની સાથે આવેલા બહારના લોકોએ જ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. સરપંચ પતિનો આ આક્ષેપ મહાપંચાયતની અસલ ઉદ્દેશ્ય પર ગંભીર સવાલ ઊભા કરે છે.













