બોટાદમાં કપાસની ખરીદીમાં 'કડદા' (ખેત પેદાશમાંથી કચરાના નામે વજન કાપી લેવો) ને લઈને ચાલી રહેલા વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે. આ કડદાકાંડને લઈને બોટાદ તાલુકા પંચાયતમાંથી મહત્ત્વના સમાચાર આવ્યા છે. તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન સુમિત પરમારે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને સોંપ્યું છે. આ રાજીનામું રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે અને આખા મામલામાં નવો વળાંક આવ્યો છે.
નિર્દોષ ખેડૂતોને જેલમાં મોકલવાનો ગંભીર આક્ષેપ
ન્યાય સમિતિના ચેરમેન સુમિત પરમારે રાજીનામું આપવા પાછળનું જે કારણ દર્શાવ્યું છે, તે અત્યંત ગંભીર છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, કડદાકાંડના વિવાદમાં ઘણા નિર્દોષ ખેડૂતોને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમણે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે તેઓ ખેડૂતોના ન્યાય માટે આ રાજીનામું આપી રહ્યા છે. ખેડૂતોના હિત માટે સત્તાના હોદ્દાનો ત્યાગ કરવો, તે દર્શાવે છે કે આ કડદાકાંડમાં વહીવટી પ્રક્રિયા અને પોલીસ કાર્યવાહી સામે પક્ષના જ નેતાને મોટો વાંધો છે, અને આ મામલે સત્તાધીશો સામે જ સવાલ ઊભા થયા છે.













