બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનામાં આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ઘટનામાં કૂલ 65 લોકોની અટકાયત કરી છે. આ 65 પૈકી 18 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 65 પૈકી 47 આરોપીઓને જેલ હવાલે કરાયા છે.


20 આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર

બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પોલીસ પર થયેલા પથ્થર મારાની ઘટનામાં પોલીસે 85 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં પોલીસે 65 લોકોની અટકાયત કરી છે અને તેમાંથી 18 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. 65 પૈકી 47 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જ્યારે 20 આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે.

ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો વધુ ઉગ્ર બન્યો

બોટાદના હડદડ ગામમાં યોજાયેલી ખેડૂત મહા પંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે. હવે હડદડના લોકોના સપોર્ટમાં આપ પાર્ટી આવતા મામલો રાજકીય રંગ લઈ રહ્યો છે.અમદાવાદમાં નિર્દોષ ખેડૂતોને છોડવાની માગ સાથે આપ પાર્ટીના બે નેતાઓએ અનશનની ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જ આપ નેતાઓએ 31 ઓક્ટોબરની ખેડૂત મહાપંચાયતમાં ગુજરાતભરના ખેડૂતોએ હાજરી આપીને પોતાની તાકાત બતાવવાનું આહ્વાન કર્યું છે. હડદડ હિંસા મામલે ન્યાય માટે 31 ઓક્ટોબરે મહાપંચાયત યોજવામાં આવશે અને ખેડૂતોને છોડવાની માગ સાથે અનશન કરીશું. તેમ રાજુ કરપડા અને પ્રવીણ રામે જણાવ્યું હતું.


  • Follow us on: