બોટાદના હડદડમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદથી બંને જણાને બોટાદ લાવવામાં આવ્યા છે. આ ઘટનામાં કૂલ 20 આરોપીઓ ફરાર હતાં જેમાંથી બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. 85 આરોપીઓમાંથી પોલીસે અત્યાર સુધીમાં 67 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
રાજુ કરપડા, પ્રવિણ રામની અમદાવાદથી ધરપકડ
બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવળે કહ્યું હતું કે, હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પોલીસના વાહનો પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનામા કૂલ 85 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં 65 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં હવે અમદાવાદથી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી છે. ફરાર થયેલા 20 આરોપીઓમાંથી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં 18 આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. જ્યારે 47 આરોપીઓને જેલ હવાલે કરાયા છે.













