ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગઈ કાલે બોટાદ જિલ્લામાં વરસાદે તારાજી સર્જી હતી. બોટાદના લાઠીદડ ગામમાં ઈકો કાર નદીના વહેણમાં તણાઈ જતાં સાત વ્યક્તિઓના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાના ત્રણ દિવસ બાદ તમામ સાત લોકોના મૃતદેહો મળ્યા છે. ઈકો કારમાં કુલ 10 લોકો સવાર હતાં જેમાંથી બે લોકોનો બચાવ થયો છે. NDRFની ટીમે મૃતદેહોને બહાર કાઢ્યા હતાં.


ભારે વરસાદને કારણે નદીના પાણીનો પ્રવાહ વધ્યો હતો

બોટાદના લાઠીદડ ગામમાં ભારે વરસાદને કારણે નદીના પાણીનો પ્રવાહ વધ્યો હતો. આ દરમિયાન પાણીના પ્રવાહમાં એક ઈકો કાર તણાઈ હતી. જેમાં કુલ નવ મુસાફરો સવાર હતાં. આ નવ પૈકી બે લોકોને બચાવ થયો હતો અને સાત લોકો લાપતા હોવાથી તેમને શોધવા માટે પ્રયાસો હાથ ધરાયા હતાં. ગઈકાલે સાંજ સુધીમાં આ સાત લાપતા લોકોમાંથી બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતાં.

એનડીઆરએફની ટીમ દ્વારા ફરી શોધખોળ કરવામાં આવી

આજે સવારથી એનડીઆરએફની ટીમ દ્વારા ફરી શોધખોળ કરવામાં આવી હતી. જેમાં તમામ સાત લોકોના મૃતદેહો નદીમાંથી બહાર કઢાયા હતાં. 16મી જૂને સાંજના પાંચેક વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. જેમાં એક પરિવાર ઈકો કારમાં લાઠીદડ ગામમાં સ્થિત સુરધન દાદાના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેમની કાર નદીના પાણીના પ્રવાહમાં તણાઈ હતી. 

  • Follow us on: