બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રામપરા ગામમાં વીજચોરી પકડવા ગયેલી PGVCLની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વીજચેકિંગ દરમિયાન કર્મચારીઓ પર હુમલો થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં વીજકર્મીઓ પર થયેલો હુમલો કેદ થયો હતો. PGVCLની ટીમ રામપરા ગામમાં વીજ ચેકિંગ કરી રહી હતી. આ ચેકિંગ દરમિયાન ટીમને વીજચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું.


આરોપીઓએ વીજ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી

જ્યારે તપાસ કરનાર કર્મચારીઓએ આ અંગે કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યવાહી કરતા વીજચોરી કરનાર આરોપીઓ ઉશ્કેરાયા હતા. આરોપીઓએ વીજ ચેકિંગ કરવા આવેલા કર્મચારીઓને ગાળો આપીને ધોલ-થપાટ કરી હતી. જેમાં કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી. તદુપરાંત વીજ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને પગલે PGVCL ટીમે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

સરકારી કર્મચારીઓ હુમલો થતા પાલીસે કાર્યવાહી હાથ ધરી હતી

સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી હતી. સરકારી કર્મચારીઓ પર તેમની ફરજ દરમિયાન હુમલો થવો એ અત્યંત ગંભીર બાબત છે અને આવા કૃત્યો સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી અનિવાર્ય છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


  • Follow us on: