ગુજરાતમાં સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે તપાસના આદેશ આપ્યાં છે. માર્ગ અને મકાન વિભાગને ઘટનાનો તાત્કાલિક રીપોર્ટ આપવા આદેશ કરાયો છે. આ ઉપરાંત આ ઘટનામાં મૃતકોના પરિવારને ચાર લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાઈ છે. કેન્દ્ર સરકારે પણ મૃતકોના પરિવારને બે લાખની સહાય જાહેર કરી છે.


4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે

મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

વડાપ્રધાને મૃતકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું

તેમણે વધુમાં લખ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની થયેલી દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ દુર્ઘટનામાં જે લોકો ઈજા પામ્યા છે તેમની સારવાર માટેની ચિંતા કરીને સારવાર પ્રબંધ અંગેની જાણકારી પણ મેળવી હતી. વડાપ્રધાને બચાવ અને રાહત કામગીરી અંગે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી.



  • Follow us on: