વડોદરાના પાદરામાં મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ વહેલી સવારે ધરાશાયી થયો છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં કુલ 7 લોકો નદીમાં ખાબક્યા હતાં. જેમાં પાંચ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પાદરાના ધારાસભ્ય, પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બ્રિજ તૂટ્યો ત્યારે કેટલાક વાહનો નદીમાં ખાબક્યા હતાં. આ ઘટના અંગે રાહત કમિશનર દ્વારા પ્રાથમિક વિગતો કેબિનેટની બેઠકમા રજૂ કરવામાં આવશે.


રાહત કમિશનર કેબિનેટની બેઠકમાં પ્રાથમિક વિગતો રજૂ કરશે

આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. પાંચ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી હતી. સમગ્ર ઘટના અંગે ટેકનિકલ એક્સપર્ટ ટીમને તપાસ સોંપાઈ છે. માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલિયાએ કહ્યું હતું કે, બ્રિજના એક ભાગને નુકસાન થયું છે. મુખ્ય ઈજનેર અને એક્સપર્ટ ટીમને ઘટના સ્થળે મોકલી છે. આ બ્રિજ વાહનવ્યવહાર માટે ચાલુ જ હતો.આ ઘટનાને લઈને રાજ્યના રાહત કમિશનર કેબિનેટની બેઠકમાં પ્રાથમિક વિગતો રજૂ કરશે.

મુખ્યમંત્રી સમક્ષ રોડ, રસ્તા અને બ્રિજની વિગતો રજૂ કરાઈ હતી

ગુજરાતમાં થયેલા ભારે વરસાદને કારણે રાજ્યમા તૂટી ગયેલા રોડ, રસ્તા અને બ્રિજ મામલે તાજેતરમાં જ મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રીપેરિંગની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. આ વિગતોમાં જે માર્ગોને વરસાદને કારણે અસર થઈ છે ત્યાં મોટા ભાગે સ્ટ્રક્ચર અને બ્રિજની કામગીરી પ્રગતિમાં છે.243 જેટલા પુલો પર આવી કામગીરી હાથ ધરી તેના ડાયવર્ઝનનું સતત મોનિટરિંગ કરાય છે એવું જણાવાયું હતું. 

  • Follow us on: