મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો-પુલો-હાઈવેની સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરીને ચોમાસા દરમિયાન જ્યાં નુકસાન થયું છે ત્યાં યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ હાથ ધરવા સૂચના આપી છે, ત્યારે વડોદરાથી ભરૂચ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર યુદ્ધના ધોરણે રસ્તાઓને દુરસ્ત કરવામાં આવ્યા છે.
21 ટ્રેક્ટર અને 143 મજૂરો સહિત કુલ 206 સાધનો અને માનવબળ જોડાયું
એક મહિનાથી વધુ સમયથી પડી રહેલા ભારે વરસાદ અને વાહનોની સતત અવરજવરને કારણે જાંબુઆ, પોર અને બામણગામ નજીકના સાંકડા પુલો પર તેમજ ભરૂચ ખાતે નર્મદા બ્રિજના એપ્રોચ પર આશરે 0.6 કિલોમીટરના છૂટાછવાયા વિસ્તારોમાં માર્ગને નુકસાન થયું હતું. ત્યારે આ નુકસાનના સમારકામ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના PIU-એકતા નગર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂન- 2025થી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં કુલ 280.95 ક્યુબિક મીટર હોટ મિક્સ મટિરિયલ ઓવરલે, 28.14 ક્યુબિક મીટર કોલ્ડ મિક્સ મટિરિયલ, 78 ક્યુબિક મીટર ગ્રેન્યુલર સબ-બેઝ મટિરિયલ અને 465.1 ચોરસ મીટર પેવર બ્લોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમારકામના કાર્યને ઝડપી બનાવવા માટે 5 બેકહો લોડર, 30 ટિપર, 3 પેવર, 4 રોલર, 21 ટ્રેક્ટર અને 143 મજૂરો સહિત કુલ 206 સાધનો અને માનવબળ તૈનાત કરવામાં આવ્યા છે.
એક ઘટના વ્યવસ્થાપન ટીમ પણ કાર્યરત
આ સાથે જ વરસાદની મોસમ દરમિયાન ટ્રાફિકનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે, એક ઘટના વ્યવસ્થાપન ટીમ પણ કાર્યરત છે, જેમાં 4 રૂટ પેટ્રોલ વાહનો, 3 ક્રેન અને 3 એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે. આ ટીમો કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે સજ્જ છે. NHAI, દ્વારા કરવામાં આવેલી આ સમારકામ કામગીરીથી NH-48 પર મુસાફરી કરતા વાહનચાલકોને સુરક્ષિત અને સરળ મુસાફરીનો અનુભવ મળશે.