વડોદરાના પાદરામાં આજે સવારે ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. બ્રિજના બે પિલ્લર વચ્ચેનો સ્લેબ ધસી પડતાં બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યાં છે. સરકારે મૃતકોને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. બીજી તરફ રાજ્ય સરકારે બે દિવસ પહેલા જ ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા બ્રિજ અને રસ્તાઓ મામલે બેઠક યોજી હતી. હજી આ બેઠકને બે દિવસ જ થયાં છે ત્યાં ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બની છે. આ બ્રિજ તૂટવા અંગે અનેક સવાલો ઉભા થયાં છે.


જિલ્લા પંચાયતના સદસ્યએ રજૂઆત કરી હતી

વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમાર દ્વારા 4 ઓગસ્ટ 2022ના રોજ વડોદરાના આર એન્ડ બી ડિવિઝનના એક્ઝિકયુટિવ એન્જિનિયરને પત્ર લખીને આ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમા હોવાથી તાત્કાલિક ધોરણે સ્થળ ઈન્કવાયરી કરીને યોગ્ય પગલાં તથા ટેસ્ટ રીપોર્ટ જાહેર કરવા જણાવ્યું હતું. તેમણે આ બ્રિજ પરથી નાના અને મોટા સહિત ભારે વાહનો પસાર થતાં હોવાથી દુર્ઘટના સર્જાવાનો ભય વ્યક્ત કરીને આ બ્રિજ બંધ કરી નવો બ્રિજ બનાવવા રજૂઆત કરી હતી. આ દરમિયાન માત્ર બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

કલેક્ટર કચેરીમાંથી પણ આદેશ થયો હતો.

આ ઉપરાંત વડોદરા કલેક્ટર કચેરીના અધિક ચિટનીસ દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને પાંચમી ઓગસ્ટ 2022ના રોજ એક પત્ર દ્વારા ગંભીરા બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં હોવાથી તેની સ્થળ ઈન્કવાયરી કરીને યોગ્ય પગલાં લઈને ટેસ્ટ રિપોર્ટ જાહેર કરવા સૂચના આપી હતી. તેમણે હર્ષદસિંહની રજૂઆતને પગલે કાર્યપાલક ઈજનેરને આદેશ કર્યો હતો. આ ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહે જિલ્લા કલેક્ટ વડોદરા ગ્રામ્યને પણ એક પત્ર લખીને રજૂઆત કરી હતી. આ પત્ર દ્વારા તેમણે મોરબી બ્રિજ દુર્ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગંભીરા બ્રિજ જર્જરિત હોવાનું જણાવાયું છે. જેથી આ બ્રિજનો ટેસ્ટ રિપોર્ટ જાહેર કરવા આદેશ કર્યો હતો. પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતાં આ બ્રિજ પર કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી હતી.

રજૂઆત કર્યા બાદ પણ આ બ્રિજને બંધ કરવામાં આવ્યો નહોતો

વડોદરા ગ્રામ્ય અને સંબંધિત વિભાગોને રજૂઆત કર્યા બાદ પણ આ બ્રિજને બંધ કરવામાં આવ્યો નહોતો. 2022માં આ બ્રિજને જર્જરિત જાહેર કરાયો હતો. તે છતાંય તેને વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો હતો. માત્ર નાનું મોટુ રિપેરિંગ કરીને તંત્ર દ્વારા સંતોષ માની લેવામા આવ્યો હતો. જેથી આ ઘટના તંત્ર અને રાજકીય નેતાઓના કારણે જ બની હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે. સરકારે પણ 212 કરોડના ખર્ચે બ્રિજને નવો બનાવવા મંજૂરી આપી હતી. સરકારની મંજૂરીને પણ ઘોળીને પી જવાઈ.


  • Follow us on: