ગુજરાતમાં વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટતાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતાં. વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં મૃત્યુ આંક 9 થયો છે. નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. પાંચ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. ચાર ઈજાગ્રસ્તોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. બ્રિજ પર બે પિલ્લરો વચ્ચેનો સ્લેબ ધસી પડતાં બ્રિજ દુર્ઘટના સર્જાઈ છે.


સંદેશ ન્યૂજે બે વર્ષ પહેલા સરકારને ચેતવી હતી

આજે જે ગોઝારી ઘટનાનું આખું ગુજરાત સાક્ષી બન્યું છે એમાં ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. આ ગંભીરા બ્રિજ દુર્ઘટના જે આજે ઘટી અને જેમાં 3 લોકોનો જીવ ગયો એમને બચાવી શકાયા હોત આ બ્રિજને પડતાં બચાવી શકાયો હોત જો સરકારે બે વર્ષ પહેલા સંદેશ ન્યૂજે કરેલા એક અહેવાલને થોડુંક ગંભીરતાથી લીધું હોત. સંદેશ ન્યૂજે જે અહેવાલ જાહેર કર્યો હતો એ અહેવાલમાં બ્રિજની હાલત એ હદની ખરાબ દેખાય છે કે જેના પર વાહન વ્યવહાર કરવો એ મોતના સ્વાગત કરવા બરાબર લાગી રહ્યું હતું.

અહેવાલ પછી પણ તંત્ર ઊંઘમાં રહ્યું

1985માં બનેલો આ બ્રિજ જર્જરિત હોવા છતાં તેને બંધ ન કરાતા તંત્રની ઘોર ગંભીર બેદરકારી સામે આવી છે. 23-09-2023ના રોજ સંદેશ ન્યૂજે અહેવાલ પ્રગટ કર્યો હતી જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે બ્રિજ બિસ્માર હાલતમાં છે, બ્રિજ પર મસ મોટા ખાડા પડી ગયા છે, મોટા વાહનો પસાર થાય એ જોખમી લાગી રહ્યું છે, બ્રિજનું બાંધકામ એ હદનું જર્જરિત દેખાય છે કે ગમે ત્યારે તે જમીન દોસ્ત થઈ શકે છે , વાહન ચાલકોને સમસ્યા થઈ રહી છે, આટલી બધી માહિતી સંદેશ તંત્રને આપી રહ્યું છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલ્યું નહીં અને નિર્દોષ જનતા સરકારનો શિકાર બની ગઈ.

 

દુર્ઘટના કે પછી બેદરકારી?

સંદેશ ન્યૂજના અહેવાલ પછી અહિયાં એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ જે આજે પડી ભાંગ્યો છે એ હવે દુર્ઘટના સમજવી કે પછી ઘોર બેદરકારી સમજવી? કેમ કે જો આ અહેવાલ પ્રગટ થયા પછી તંત્રએ તેજ સમયે જો કોઈ યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આજે ગુજરાતને આ કાળો દિવસ જોવો ન પડ્યો હોત. સંદેશ ન્યૂજના અહેવાલમાં સ્થાનિકો પણ કહી રહ્યા છે કે તેમણે પણ સરલારને આ અંગે જાણ કરી હતી, તંત્રને તાકીદ કરી હતી પણ તંત્રએ બસ આંખ આડા કાન કર્યા અને ઉડાઉ જવાબ આપ્યા જેનું નુકસાન આજ ગુજરાત ભોગવી રહ્યું છે.


  • Follow us on: