છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના મેરિયા બ્રિજ અંગે મોટો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. બોડેલીના મેરિયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે મેરિયા બ્રિજ પર ભારે વાહનોની અવર જવર બંધ કરાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટેક્નિકલ ટીમ દ્વારા વિઝિટ કર્યા બાદ આ નિર્ણય કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લેવામાં આવ્યો છે. 3 દિવસ બાદ રિપોર્ટ આવશે, ત્યાં સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાગુ રહેશે.
તાપી બ્રિજ પર 10 ઓગસ્ટ સુધી ભારે વાહનોની અવરજવર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
બીજી તરફ ભરૂચથી સુરત સુધીના NH 48 પર આવેલા તાપી બ્રિજના એક્સપાન્સન જોઈન્ટની સમારકામની કામગીરી કરવાની હોય બ્રિજ પર 1 મહિનો અવરજવર બંધ રહેશે. જો કે વાહનચાલકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પાડે તે માટે તંત્ર દ્વારા ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજ પર 10 જુલાઈથી લઈને 10 ઓગસ્ટ સુધી કામગીરી ચાલશે અને કામ વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન છે. ત્યારે NH 48 પર આવેલા તાપી બ્રિજની ડાબી સાઈડ તરફથી આવતા ભારે વાહનોને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે, પેકેજ 6 તરફ જવા માટે રસ્તો ચાલુ છે. જ્યારે એક્સપ્રેસ-વે પર ટુ-વ્હિલર વાહનોને મંજૂરી નથી, જેથી હાલમાં કાર્યરત રૂટનો જ ઉપયોગ તેવો કરી શકશે.
ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં 18 લોકોના થયા મોત
તમને જણાવી દઈએ કે 9 જુલાઈએ વડોદરાના પાદરામાં આવેલા ગંભીરા બ્રિજ તુટી પડવાની મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 18 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. પાદરા બ્રિજ દુર્ઘટનામાં વધુ એક મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. રેસ્ક્યુ ટીમને વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. બામણગામના દિલીપ પઢિયારનો મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલીપભાઇ નોકરી પર જવા માટે નીકળ્યા હતા અને છેલ્લા 36 કલાકથી લાપતા હતા. જો કે હવે તેમનો મૃતદેહ મળી આવ્યો છે.