છોટા ઉદેપુર જિલ્લામાં શાળાના ઓરડાની હાલત ખૂબ જ નાજુક જોવા મળી રહી છે. ત્યારે જિલ્લાના અંતરિયાળ અને ગરીબ આદિવાસી બાળકોને અભ્યાસ માટે સુવિધાના અભાવે વલખાં મારવાનો વારો આવ્યો છે. ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરે છે. શિક્ષણ માટે 'સૌ ભણે સૌ આગળ વધે'ના સૂત્રો આપી રહી છે. પરંતુ અંતરીયાળ વિસ્તારમાં શિક્ષણ માટે જાગૃત બાળકોને સુવિધાઓ આપવામાં ઉણી ઉતરી રહી છે.


આ સ્થિતિ માટે સરકાર અને વહીવટી તંત્ર જવાબદાર

આવા જ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેવાડાના આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટા ઉદેપુર જિલ્લામાંથી છોટા ઉદેપુર જિલ્લો અંતરિયાળ અને ગરીબ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંયા શિક્ષણનું સ્તર ખૂબ જ નબળું જોવા મળે છે. જેના માટે કેટલાક અંશે સરકાર અને વહીવટી તંત્ર પણ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. છોટા ઉદેપુર જિલ્લામાં ગરીબ આદિવાસી લોકો પોતાના બાળકોને શિક્ષણ મળે તે માટે જાગૃત થાય છે. પરંતુ તંત્ર તરફથી જરૂરી સુવિધા પૂરતી મળતી નથી. જેને લીધે બાળકોને શિક્ષણ માટે વલખા મારવા પડી રહ્યા છે. છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ડોલરિયા ગામમાં 1થી 8 ધોરણની શાળા આવેલી છે.

20 વર્ષ પહેલા 5 ઓરડા બનાવવામાં આવ્યા હતા

શાળામાં કુલ 8 ઓરડા છે, જેમાંથી 3 ઓરડા ખૂબ જૂના અને જર્જરીત થઈ જતા તેને બંધ કરી દેવામાં આવ્યા છે અને લગભગ 20 વર્ષ પહેલા 5 ઓરડા બનાવવામાં આવ્યા હતા. આ ઓરડામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે. જેને લઈને શાળામાં અભ્યાસ કરતા 102 જેટલા બાળકોને અભ્યાસ કરવા માટે બેસવાની ભારે મુશ્કેલી પડી રહી છે. આ 5 ઓરડામાં ખૂબ વરસાદી પાણી પડી રહ્યું છે. જેને લીધે બેસવાનું તો ઠીક રૂમમાં ઉભુ રહી શકાય તેમ પણ નથી. જેથી શાળાના બાળકોને 1 માત્ર ઓરડામાં ઘેટા બકરાની જેમ બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે.

બાળકો ઘેટા બકરાની માફક બેસીને અભ્યાસ કરવા મજબૂર

ગામની શાળાના ઓરડા પડતાં ગ્રામજનો પણ બાળકોના ભવિષ્યથી ચિંતિત બની ગયા છે અને બાળકો દેશનું ભવિષ્ય છે તેમણે સારી સુવિધા મળે તેમજ સારું શિક્ષણ મળે તે માટેની માગ કરી રહ્યા છે. આ મામલે તાલુકા શિક્ષણાધિકારીએ ઉડાઉ જવાબ આપતા જણાવ્યું કે અમે ડોલરીયા પ્રાથમિક શાળામાં પાણી પડે છે. એટલે બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા કરીને શિક્ષણ આપીશું. હાલ તો ડોલરિયા પ્રાથમિક શાળામાં બાળકોને એક જ ઓરડામાં ઘેટા બકરાની માફક બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે તંત્ર આ બાળકો માટે ક્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરે છે તે જોવું રહ્યું.


  • Follow us on: