અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ફોરેસ્ટ વિભાગે સંયુક્ત ઓપરેશન થકી પ્રતિબંધિત ગણાતા સુરજ નામથી ઓળખાતા કાચબાની હેરફેરનું રેકેટ ઝડપી પાડ્યું છે. આ સાથે જ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને 10 કાચબાનું રેસ્ક્યુ કર્યું છે, જ્યારે હજુ પણ 50 કાચબાનું રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે.
પોલીસે 4 આરોપીની અલગ અલગ જગ્યાએથી ધરપકડ કરી
અમદાવાદ ફોરેસ્ટ વિભાગને ગેરકાયદેસર રીતે સૂરજ કાચબાની હેરફેરની બાબત ધ્યાને આવી હતી. જે અંગે ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરતા બંને એકમો દ્વારા સંયુક્ત પણે ઓપરેશન કરવામાં આવ્યું. જેમાં ચાર આરોપી મુકેશ, શુભમ, યશવંત સિંહ અને સંકેતની 10 કાચબા સાથે ધરપકડ કરવામાં આવી છે. વાઈલ્ડ લાઈફ એક્ટ પ્રમાણે આ કાચબા રાખવા પ્રતિબંધિત છે, ગુના હેઠળ 7 વર્ષ જેલની સજાની પણ જોગવાઈ છે. પોલીસે 4 આરોપીની અલગ અલગ જગ્યાએથી ધરપકડ કરી છે.
બિનજામીનપાત્ર છે ગુનો
ઝડપાયેલા 4 આરોપી રાજસ્થાનના જયપુર, જોધપુરના છે. મુકેશ નામનો શખ્સ જયપુરનો છે. જે ગ્રાહક સાથે સોશિયલ મીડિયા મારફતે સીધો સંપર્કમાં આવતો, ગ્રાહક તરફથી ઓર્ડર મળ્યા બાદ રાજસ્થાનના શુભમને જાણ કરતો શુભમ યશવંત સિંહ નામના આરોપીને જાણ કરતો અને તે સૂત્રધાર મુજાહિદ નામના વ્યક્તિ પાસેથી આ કાચબા મેળવતો અને અમદાવાદમાં તેના સાગરીતો ડિલિવરી કરતા હતા. આ કાચબા ઘરે રાખવાએ ગુનો બને છે. ઉપરાંત આ ગુનો બિનજામીનપાત્ર ગુનો હોય છે.
ડમી ગ્રાહક મોકલીને ટ્રેપ ગોઠવવામાં આવી હતી
સોશિયલ મીડિયા એટલે કે ઈન્સ્ટાગ્રામ મારફતે કાચબાની ગેરકાયદેસર રીતે હેરફેરની બાબતો ફોરેસ્ટ વિભાગને માર્ચ મહિનામાં ધ્યાને આવી હતી. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા એક ડમી ગ્રાહક મોકલીને ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં 10 જેટલા કાચબા ખરીદવામાં આવ્યા. કાયદા પ્રમાણે આ કાચબાનું વેચાણ કરવું એ ગુનો છે. પરંતુ કેટલાક લોકો દ્વારા તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવે છે, જે માટે રૂપિયા 50,000થી લઈને દોઢ લાખથી ઉપરની કિંમત વસૂલવામાં આવતી હોય છે.
સૂરજ પ્રકારના કાચબા ઘરે અથવા તો ધંધાના સ્થાન પર રાખવાથી સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારની ધારણા છે. જેથી લોકો તેને ગેરકાયદેસર રીતે રાખતા હોય છે. આ કાચબાનું આયુષ્ય 80 વર્ષથી લઈને 200 વર્ષ સુધીનું હોય છે. હાલ પોલીસે વોન્ટેડ આરોપી મુઝાહિદની શોધખોળ શરૂ કરી છે.