અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સરખેજ ગામ તરફ જતા રોડ પર ગેરકાયદે દબાણ દૂર કરવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 120 મીટર લાંબા રોડ પર થયેલા કુલ 16 ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા. રસ્તા પર થયેલા આ દબાણોના કારણે વાહનવ્યવહારમાં અવરોધ ઊભો થતો હતો, જેને પગલે મનપાએ કડક પગલાં લીધા છે. આ દબાણ હટાવવાની કામગીરી માટે 1 જેસીબી અને 12 મજૂરોની ટીમને કામે લગાડવામાં આવી હતી.
ધાર્મિક સ્થળની દીવાલ પણ હટાવાઈ, કોરિડોરની વિચારણા
મનપાની આ કાર્યવાહી દરમિયાન, રોડ પર આવી રહેલા એક ધાર્મિક સ્થાનની દીવાલને પણ દૂર કરવામાં આવી હતી, જેનાથી સ્પષ્ટ થાય છે કે રસ્તાને ખુલ્લો કરવા માટે AMC કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. દબાણમુક્ત કરાયેલા આ વિસ્તારમાં આગામી સમયમાં AMC દ્વારા 'દત્ત કોરિડોર' બનાવવાની વિચારણા ચાલી રહી છે. આ કોરિડોર બનવાથી સરખેજ તરફના રોડ પર ટ્રાફિકનું ભારણ ઓછું થશે અને નાગરિકોને સરળતાથી અવરજવર મળી રહેશે.













