અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી વસંત રજબ પોલીસ ચોકી પાસે 15 જેટલી રિક્ષામાં તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું, જ્યાં આરોપીએ લોકો પાસે જાહેરમાં માફી પણ માંગી હતી.
અમદાવાદમાં અસામાજિક તત્વ દ્વારા આતંક
અમદાવાદમાં વધુ એક વખત અસામાજિક તત્વ દ્વારા આતંક મચાવવાની ઘટના સામે આવી છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી વસંત રજબ પોલીસ ચોકી પાસે પાર્ક કરેલી 15 થી 20 જેટલી રિક્ષાઓના કાચ તોડફોડ થયા હોવાની ઘટના ગઈકાલે રાત્રે સામે આવી હતી. રીક્ષા માલિકોની ફરિયાદને આધારે ગાયકવાડ હવેલી પોલીસે સલમાન ઉર્ફે કણી નાગોરીની ધરપકડ કરી છે. સલમાન દ્વારા ગતરાત્રે તેના ઘર પાસે પાર્ક કરેલી 15 થી 20 જેટલી રિક્ષાઓમાં તોડફોડ કરી હતી. પોલીસે સલમાનની ધરપકડ કરી તેને ઘટના સ્થળ પર લઈ જવાયો હતો, જ્યાં તેણે સ્થાનિકો પાસે જાહેરમાં માફી માંગી હતી અને પોલીસે સલમાનને સાથે રાખી સમગ્ર ઘટનાનું પંચનામું કર્યું હતું.
15 જેટલી રિક્ષામાં તોડફોડ કર્યાની ઘટના
પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી સલમાન ઉર્ફે કણી રાતના સમયે તેના ઘરે જઈ રહ્યો હતો અને ત્યાં પાર્કિંગ પાસે અનેક રીક્ષાઓ પાર્ક થયેલી હતી, સલમાન નશાની હાલતમાં હોવાથી ઉશ્કેરાઈ ગયો હતો. રિક્ષામાં તોડફોડ કરી હતી. આરોપી સલમાન ગુનાહિત માનસિકતા ધરાવે છે. સલમાન ઉપર અગાઉ 30 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં પ્રોહીબિશન, છેડતી અને મારામારીના અનેક વખત જેલમાં જઈ ચૂક્યો છે અને તેને ત્રણ વખત પાસા અને તડીપાર પણ કરવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે સલમાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.