સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તાજેતરમાં નોંધાયેલા અનેક મોટા ગુનાઓના ભેદ ઉકેલી નાખ્યા છે
૧. યુ-ટ્યુબ વીડિયો વાયરલ ફ્રોડ
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૧૧૧૯૧૦૬૭૨૫૦૦૩૪/૨૦૨૫, ધી આઇ.ટી. એક્ટ કલમ- ૬૬(ઇ), ૬૭ મુજબના ગુનામાં, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત સોશિયલ મીડિયા મોનિટરીંગ સેલ દ્વારા યુ-ટ્યુબ ચેનલ પર નજર રાખવામાં આવી રહી હતી. આ વોચ દરમિયાન એક યુ-ટ્યુબ ચેનલ પર એક હોસ્પિટલ જેવી રૂમ જણાઈ આવી, જેમાં સ્ત્રી દર્દી અને નર્સ જોવા મળ્યા હતા. આ વીડિયોમાં સ્ત્રીને સ્ટ્રેચર પર સુવડાવી ઇન્જેક્શન આપતો સી.સી.ટી.વી. ફૂટેજનો વીડિયો વાયરલ કરીને સ્ત્રીની ગોપનીયતાનો ભંગ કરવામાં આવ્યો હતો. આ વીડિયો અપલોડ કરનાર ૬ ઇસમોને બે અલગ-અલગ ટીમો દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના લાતુર જિલ્લાના, સાંગલી ખાતે તથા ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ જિલ્લા ખાતેથી અટક કરવામાં આવ્યા છે.
૨. ધમકીભર્યા બોમ્બ બ્લાસ્ટના ઇમેઇલ પર કાર્યવાહી
તાજેતરમાં અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં ધમકીભર્યા બોમ્બ બ્લાસ્ટના ઇમેઇલ આવતા, આ ગુનાઓને શોધી કાઢવા સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી શરદ સિંઘલ સાહેબશ્રી, નાયબ પોલીસ કમિશ્નર ડો. લવીના સિંહા સાહેબશ્રી તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી હાર્દિક માકડિયા સાહેબશ્રીનાઓના હુકમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
સરખેજ પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૮૨૫૦૪૫૨/૨૦૨૫, ધી ભારતીય ન્યાય સંહિતા- ૩૫૧(૪), ૩૫૧(૩), ૩૫૩(૧)(બી) મુજબના ગુનાના કામે ફરિયાદી શ્રી વિષ્ણુભાઈ ચમનભાઈ ખાખડીયાની ફરિયાદ મુજબ, તા. ૦૩/૦૬/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૫૮ વાગ્યે સુમારે ફરિયાદીની 'જીનીવા લિબરલ સ્કૂલ'ના ઇ-મેઇલ આઇ.ડી.ના ઇનબોક્સમાં [email protected] નામના ઇ-મેઇલ આઈ.ડી.માંથી ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. જેમાં "Police is sleeping they cannot do anything they dont know to investigate properly Only if children die police will become active We are going to blast the bomb in your school to bring to police attention about the rapist who raped the girl in Lemon tree hotel in hydrabad in 2023" વિગેરે મુજબની વિગતો હતી. ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનાના કામે હ્યુમન રિસોર્સ તેમજ ટેક્નિકલ ડેટાના આધારે એનાલિસિસ કરતાં આરોપીની ચોક્કસ માહિતી મળી આવેલી. જેના આધારે પોલીસે આરોપી મહિલા રેની જોશીલડા ડો/ઓ ગોલ્ડવીન જોસેફ એન્ટોની જ્ઞાનપ્રકાશ રહે. ચેન્નઇ, તમિલનાડુને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
૩. શેરોમાં રોકાણ કરવાની ટિપ્સ આપી છેતરપિંડી
અમદાવાદ શહેર વિસ્તારમાં કેટલાક અજાણ્યા ઇસમોએ પ્રથમથી જ ગુનાહિત કાવતરું રચી ફરિયાદીને અલગ-અલગ લોભામણી લાલચો આપી શેર બજારમાં જુદા-જુદા શેરોમાં રોકાણ કરવાની ટિપ્સ આપી મોટો નફો કરાવી આપવાની લાલચ આપી હતી. ફરિયાદીને બનાવટી એપ્લિકેશનમાં ખાતું ખોલાવી તેના મારફતે શેર બજારમાં ટ્રેડિંગ કરાવી, તેમાં ખોટી રીતે નફો બતાવી શેરબજારમાં રોકાણ કરવાના બહાને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂ. ૫૯,૦૬,૭૫૪/- ભરાવી તેમની સાથે છેતરપિંડી કરનાર પાંચ આરોપીઓને પકડી પાડેલ છે.

૪. ડમી બેંક એકાઉન્ટ ખોલાવી ફ્રોડ
આધાર કાર્ડમાં સરનામા બદલતી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે રાજ્યોમાં બેંક ખાતા ખોલાવી ચાઇનીઝ ગેંગના એકાઉન્ટ પૂરા પાડતી રાજસ્થાનની ગેંગના ૧૧ આરોપીઓને પકડી પાડતી અમદાવાદ સાયબર ક્રાઇમ. તેમના પાસેથી ૧૨ ફોન, આધાર કાર્ડ, પાન કાર્ડ, આર.સી. બુક, ૨ ચેક બુક, ૧૦ બેંક પાસ બુક, ૪૩ એ.ટી.એમ./ડેબિટ કાર્ડ, ૧૫ સીમ કાર્ડ, ૧ પોર્ટેબલ નંબર અને ૭ ડાયરીઓ કબજે કરવામાં આવી છે.
૫. PAYTM સાઉન્ડ બોક્સ ફ્રોડ
અમદાવાદ શહેર તેમજ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં જઈને PAYTM સાઉન્ડ બોક્સ મશીન ધરાવતા દુકાનદારોને PAYTM કંપનીમાંથી આવતા હોવાની ખોટી ઓળખ આપી, સાઉન્ડ બોક્સ મશીનોનો માસિક ચાર્જ આવેલ છે. તે હાલમાં રૂપિયા એક અથવા ફ્રી થઇ ગયેલ હોવાનું જણાવી દુકાનદારોને વિશ્વાસમાં લેતા. ત્યારબાદ તેમના બેંક એપ્લિકેશનથી પોતાના જ PAYTM સ્કેનરમાં રૂપિયા એક ટ્રાન્સફર કરવાનું કહી બેન્કિંગ એપ્લિકેશનનો પિન જાણી લેતા. ત્યારબાદ દુકાનદારના મોબાઇલ ફોનમાંથી PAYTM રિક્વેસ્ટ અંગેની ઇમેઇલ કરવાનું કહી, મોબાઇલ લઇ દુકાનદારના મોબાઇલ ફોનથી બેંકની એપ્લિકેશન દ્વારા નાણાં ટ્રાન્સફર કરી લઇ ટ્રાન્ઝેક્શનના મેસેજ ડિલીટ કરી દેતા અથવા તો ગેમિંગ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતા ઇસમોને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે.
૬. દેશવ્યાપી બોમ્બ ધમકી કેસનો ભેદ ઉકેલાયો: ચેન્નાઈનો આરોપી અમદાવાદ સાયબર ક્રાઇમના જાળમાં!
અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે દેશના વિવિધ રાજ્યોની શાળાઓ, હોસ્પિટલો તથા સ્ટેડિયમોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેઇલ મોકલનાર આરોપીને ચેન્નાઈથી પકડી પાડ્યો. આરોપીએ નકલી ઇમેઇલ આઇડી બનાવી અલગ-અલગ સંસ્થાઓને ડર અને ગભરાટ ફેલાવવા માટે ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા. તાત્કાલિક ટેક્નિકલ ટ્રેસિંગ અને ઇન્ટરસ્ટેટ સંકલનથી પોલીસે આરોપી સુધી પહોંચી ધરપકડ કરી. તપાસ દરમિયાન દેશભરમાં ૧૫ થી વધુ સમાન ગુનાઓ ડિટેક્ટ થયા, જેમાં આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા ઇમેઇલ સર્વર અને ડિવાઇસીઝ પણ કબજામાં લેવાયા. આ કામગીરીએ દર્શાવ્યું કે અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમ માત્ર શહેર પૂરતી નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ સાયબર ધમકીઓ સામે અડગ છે.
૭. કંબોડિયા-નેપાળથી ઓપરેટ કરતી ચાઇનીઝ સાયબર ગેંગના ૬ સભ્યો ઝડપાયા
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસ ચલાવી કંબોડિયા અને નેપાળથી ઓપરેટ થતી ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના છ સભ્યોને પકડી પાડ્યા. આરોપીઓએ ખાતાધારકને "દુબઈથી લીગલ ફંડ આવશે" એવી વાત કરી વિશ્વાસમાં લઈ નેપાળમાં છ દિવસ સુધી હોટલમાં રોકી રાખ્યો અને બેંક એકાઉન્ટ, સીમ કાર્ડ અને ઈમેઈલ આઈ.ડી.નો કબજો મેળવી ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ જેવી છેતરપિંડી હાથ ધરી. આ ગેંગ ભારત સહિત અન્ય દેશોમાંથી સાયબર ફ્રોડના ભોગ બનનાર લોકોના એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન કરતી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમની આ કાર્યવાહી ટેક્નિકલ કુશળતા, ઇન્ટર-નેશનલ કો-ઓર્ડિનેશન અને તપાસ ક્ષમતાનું અનોખું ઉદાહરણ છે.
૮. ચાઇનીઝ સાયબર ગેંગનો ભેદ - વિદેશથી કોલ કરી ભારતીય નાગરિકોને છેતરનારા બે આરોપી ઝડપાયા!
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસ ચલાવી કંબોડિયા અને નેપાળથી ઓપરેટ થતી ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના બે સભ્યોને પકડી પાડ્યા. આ કાર્યવાહીમાં ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ જેવી છેતરપિંડીઓનો પર્દાફાશ થયો, જેમાં કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન થયા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમની આ કાર્યવાહી ટેક્નિકલ કુશળતા, આંતરરાષ્ટ્રીય સંકલન અને તપાસ ક્ષમતાનું અનોખું ઉદાહરણ છે.














