પોલીસ પંચાતની સંદેશ ડિજિટલની એ વિશેષ રજૂઆત છે કે જેમાં અમે દર રવિવારે એ પ્રકારની માહિતિ સામાન્ય જનતા સુધી પોંહચાડતા હોઈએ છે કે જે વાંચીને જનતા સાથે ખુદ પોલીસ ઉચ્ચ અધિકારીઓએ પણ શિસ્તની ચાબુક ઉગામવી પડે છે. હવે વાત પંચાતની જ છે તો જાણી લો કે અમદાવાદ પોલીસનો કોલર અને જુસ્સો બંને હાઈ ઓન જોશ છે બોસ. અમદાવાદને સેફ સીટી તરીકેનો ખિતાબ જો મળ્યો ! ગંભીર ગુનાઓની ચચરતી ચામડી વચ્ચે આ ખિતાબ ઠંડા ઠંડા કુલ કુલ જેવી અસર આપનારો છે. હવે વાત અસ્સલ પંચાતની..
પૂર્વ વિસ્તારના પૂર્વ વહિવટદાર ‘ઠાકોર’જી વહિવટ શોધે છે
તાજેતરમાંજ એક પી.આઈને પોતે જ નિમેલા વહિવટદારને લઈને નીચાજોણુ થયુ હતું કેમકે લોકો એટલા ત્રાસી ગયા હતા કે છેક તેમના સુધી આ બધી રાવ આવવા લાગી હતી. સમય સંજોગો પારખી ગયેલા અધિકારીએ આ ભાઈ પાસે વહિવટ છોડાવી દેવાની ફરજ પડી હતી. આટલેથી ના અટકેલા અને વહિવટ જેમની જીભે લાગી ચુક્યો છે એવા ઠાકોરજીએ બીજા પી.આઈનો સંપર્ક સાધવાનો શરૂ કર્યો છે. વહિવટ કરવો જાણે ફુલ ટાઈમનો જોબ હોય એમ અમુક પોલીસ કર્મીઓ શોધી રહ્યા છે. આ કર્મીની બદલી પણ આવી ગઈ છે ત્યારે પોલીસ કામગીરીમાં જીવ પરોવે અને ખરી કામગીરી કરે તેમ પોલીસ બેડામાંથી સલાહ અપાવાની શરૂ થઈ છે.
Also Read
ટ્રાફિક પોલીસ કરવા ગઈ કંસાર થઈ ગઈ થુલી !
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રંગલા અને રંગલીને ઉદ્દેશીને ખાસ પોસ્ટર એક સામાજીક સેવા સંગઠનના ઉપક્રમે લગાડી દેવામાં આવ્યા. જો કે ઉત્સાહમાં અથવા તો કન્ટેન્ટની બેધારી તલવારને સમજ્યા વગર એપ્રુવલ જતી રહી અને મુદ્દો બુમરેંગ બનીને સામે આવ્યો. પોલીસ વિબાગની જ કામગીરી, સતર્કતા અને સેફ સીટી પર સવાલો ઉભા કરતા આવા પોસ્ટરને તરત ને તરત ઉતારી લેવા પડ્યા. વાંચનારાઓ બબડતા જોવા મળ્યા કે પોલીસ કરવા ગઈ કંસાર અને થઈ ગઈ થુલી.
રોંગ સાઈડ ટ્રાફિક ડ્રાઈવ પોલીસ માટે જ માથાના દુખાવા સમાન બની !
અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ વાહનોને લઈ ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે, ત્યારે આ ડ્રાઈવ દરમિયાન પોલીસ વાહનચાલકોને રોકે છે તો પોલીસ સાથે વાહનચાલકો ઘર્ષણ કરતા હોય છે, મહિલાઓને રોકવામાં આવે છે ત્યારે પોલીસ માટે માથાનો દુ:ખાવો બની જતો હોય છે, પોલીસના સૂત્રો કહે છે કે, આ ડ્રાઈવ શહેરીજનો માટે લાભદાયક છે પણ ઘણા કિસ્સાઓ એવા પણ બને છે જેમાં સ્થાનિકો પોલીસ સાથે ઘર્ષણ કરતા હોય છે, ત્યારે ઘણા પોલીસ કોન્સ્ટેબલોનું કહેવું છે કે, ડ્રાઈવ માથાનો દુખાવો બની ગઈ છે, શહેરમાં લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવુ નથી પણ દંડ ભરી દેવો છે એવી વાત પણ સામે આવી છે.
PIની ચેમ્બરના CCTV તપાસવા ઉચ્ચ અધિકારીની ઓફીસથી ટીમ આવતા PI મૂંઝાયા
અમદાવાદ શહેરમાં પોલીસ ઈન્સપેકટરની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે તેવો આદેશ ઉચ્ચ અધિકારીએ કર્યો છે, અને મોટાભાગના પીઆઈની ચેમ્બરમાં સીસીટીવી પણ લાગી ગયા છે, ત્યારે આ સીસીટીવી ચાલે છે કે બંધ છે તેની ચકાસણી કરવા માટે ઉચ્ચ અધિકારીની ટીમ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આવતી હોય છે, ત્યારે પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીની ટીમ તપાસ માટે આવે છે તો પીઆઈનું મોઢું પડી જાય છે, અને તેમના સ્ટાફને બોલાવીને કહે છે કે આમને ચા-નાસ્તો કરાવો અને વાત કરીને જવાબ આપી દો, ત્યારે પીઆઈને એવું તો શું હતુ કે થોડીક વાર માટે તેઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા?
'ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટ 2025'માં, આ શહેરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું
હવે દેશના સૌથી સેફ સિટીનું લિસ્ટ સામે આવ્યું છે. જેમાં ગુજરાતના સિટીનું નામ સૌથી સેફ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. 'ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટ 2025'માં, આ શહેરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે.. આ શહેરમાં 25,500 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાંથી 22,000 કેમેરા નાગરિકો દ્વારા જ લગાવવામાં આવ્યા છે. બાકીના કેમેરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ગૃહ વિભાગ અને નિર્ભયા યોજના હેઠળ લગાડવામાં આવ્યા છે. હવે તમે જ કહો કે આટલી બધી આંખો વચ્ચે ગુનેગારોની મજાલ છે કે શહેર પોલીસને પડકાર ફેંકી શકે ?













