ગુજરાત પોલીસમા વર્દી પહેર્યા વગર કે પહેરીને જનતાની રક્ષાને કોરાણે મુકીને ખિસ્સાનો મજબૂત વહિવટ કરનારા વહિવટખોરોના નામ પરથી સંદેશ ડિજીટલે ધૂળ ઉડાડવાની શરૂ કર્યા બાદ અમુક અધીરા બની ગયેલા અને હાથમાથી વહિવટ જતા રહેવાની બીકે બાવરા બની ગયેલા વહિવટદારોએ હવે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હોવાની માહિતિ સાંપડી છે. આ ગ્રુપમાં બધા પોતાનો વારો ના આવે તેની રાહ જોતા હોય છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવી, શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક અને ડી.જી. વિકાસ સહાય સુધી વિવિધ વહિવટદારોની ઉઘરાણીના કારસ્તાન પહોંચ્યા હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે.
એક તો મફતનું જમવાનું અને દાદાગીરી કરવાની !
અમદાવાદ પશ્ચિમનું એક પોલીસ સ્ટેશન કે જયાં જલારામ નામની રેસ્ટોરન્ટ આવી છે, પીસીઆર કારનો ડ્રાઈવર આવે છે અને જમવાનું માગે છે, હોટલના સંચાલકે કીધુ, સાહેબ થોડી ભીડ છે રાહ તો જુઓ, તો પીસીઆર ગાડીના ઈન્ચાર્જનું મગજ ગયું અને તેમણે કહ્યું કે, અમારે નોકરી કરવાની છે જલદી આપો એમ કહીને બૂમો પાડી નાખી અને લોકો એકબીજાની સામે જોવા લાગ્યા, ભાઈ આટલી ચરબી શું કામ કરો છો, એક તો તમારે મફતનું ખાવનું અને એમાં પણ સામે વાળાને ખખડાવવાના આવું કેમનું ચાલશે.
ટીઆરબી વાળાનો અડ્ડો બની ગયો છે તપોવન સર્કલ
અમદાવાદ એરપોર્ટથી ઘણા સ્થાનિકો તપોવન સર્કલ થઈને ગાંધીનગર અને અમદાવાદ તરફ જતા હોય છે, ત્યારે ટીઆરબીના જવાનો તેમને ખોટી રીતે હેરાન કરતા હોવાની વાત ઉઠી છે, ટીઆરબી જવાનોનું કામ માત્ર ટ્રાફિક મેનેજ કરવાનું છે, પરંતુ ટીઆરબી જવાનો તો જાણે પોલીસ હોય તેવી રીતે લોકો સાથે વર્તન કરી રહ્યાં છે, ઘણીવાર ટ્રાફિકના માણસો બેઠા હોય છે અને ટીઆરબી જવાનો એમની રીતે કામ કરતા હોય છે અને લોકો સાથે તોછડાઈભર્યુ પણ વર્તન કરતા હોય છે તેવી ફરિયાદો ઉઠી છે. ભૂતકાળમાં NRI કપલ પાસેથી લીકર પડાવીને ATMમાથી પૈસા ઉપડાવી લેવા મજબૂર કરવા, પૈસા ઉઘરાવતા સીસીટીવીમાં ઝડપાઈ જવાની વાતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પોંહચી જ હતી તો આવા બેદરકાર જવાનોને સીધા કરવાની જરૂર છે.
મોટી એજન્સીના વહીવટદારો ઝોન વાઈસ ઉઘરાણા ચાલુ કર્યા !
અમદાવાદમાં પોલીસની ઘણી એજન્સીઓ છે અને તેઓ કામગીરી કરી રહી છે, સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે, એક મોટી એજન્સીએ ઝોન વાઈસ ઉઘરાણા શરૂ કરી દીધા છે અને તેમના માણસો ગોઠવી દીધા છે, ઝોન વાઈસ માણસો પોલીસ સ્ટેશનમાંથી પણ માહિતી મેળવી નક્કી કરેલા જુનિયર, સિનિયર અને ઉચ્ચ અધિકારીઓને સાચવી લેવામાં આવી રહ્યા છે. હવે ઝોન વાઈસ ઉઘરાણાને કઈ રીતે લેવું ? શહેરમાં સુરક્ષાના મુદ્દે રોજ નવા નવા પ્લાન બનતા હોય છે તે વચ્ચે આવા ઉઘરાણાખોર કર્મીઓ શું ખરેખર આવા સટિક પ્લાનને અમલમાં આવવા દેતા હશે ?
અમદાવાદનું G ડિવિઝન ટ્રાફિક પોલીસ મથક રામ ભરોસે !
અમદાવાદમાં અલગ-અલગ વિસ્તાર પ્રમાણે ટ્રાફિક પોલીસ સ્ટેશન છે અને આ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પીઆઈ પણ મૂકવામાં આવ્યા છે, સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે, અમદાવાદ ટ્રાફિકમાં આવતું જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પીઆઈને મૂકવામાં આવ્યા નથી, અને અન્ય ટ્રાફિક ડિવિઝનના ઈન્ચાર્જ પીઆઈને તેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, અધિકારીઓને આ વાતની જાણ છે તેમ છત્તા કેમ જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પીઆઈની જગ્યા ભરવામાં આવતી નથી તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ટ્રાફિકના વિવિધ વિષયો હંમેશા માથાના દુ:ખાવા રૂપ રહ્યા છે ત્યારે જ્યાં જેમની નિમણૂંક કરવાની છે ત્યાં પોલીસ અધિકારી જલ્દી નિમાઈ જાય તે સમયની માગ છે.
સિંધુભવન રોડ પર પીઆઈ વાહનચેકિંગના સમય દરમિયાન કંટાળી જાય છે
અમદાવાદનો સિંધુભવન રોડ હાઈફાઈ રોડ છે અને આ રોડ પર ઘણી વાર લોકો સ્ટંટો કરતા હોય છે જેના કારણે તે વિસ્તારમાં આવતા ઝોનના પોલીસ ઈન્સપેકટરોને ત્યાં વાહન ચેકિંગનો પોઈન્ટ આપવામાં આવે છે, ઘણા પીઆઈની એવી ફરિયાદ છે કે વાહન ચેકિંગ કરીએ અને કાર રોકીએ તો પાછળ ટ્રાફિક જામ થઈ જાય છે અને લોકો હોન માર્યા કરતા હોય છે, ત્યારે જે તે પોલીસ સ્ટેશન લાગતુ હોય તે પીઆઈને ત્યાં વાહન ચેકિંગ કરવા આપે તો સારૂ, તો બીજી તરફ ઘણી વાર એવી ભલામણ આવે છે કે, કારમાંથી દારૂની બોટલ મળે તો પણ ઉચ્ચ અધિકારીઓની ભલામણથી તેમને જવા દેવા પડે છે, આ વાસ્તવિકતા સિંધુભવન રોડ પર પોલીસને જોવી પડે છે.













