અમદાવાદ છેલ્લા એક દાયકામાં એ રીતે વિસ્તર્યુ છે અને વિકાસનું પરિઘ પણ વર્તુળની બહાર પરિણામો આપી રહ્યું છે. જેમ જેમ મેટ્રોપોલિટન શહરેની વ્યાખ્યામાં શહેર બેસી રહ્યું છે તેમ તેમ ગુનેગારોની માનસિક્તા પણ બદલાતી જઈ રહી છે અને પોલીસ માટે પડકારો અલગ. આ બધા વચ્ચે અમુક આફતને અવસરમાં પલટવા વાળા એવા પોલીસ કર્મીઓ પણ છે કે જેને માટે ખિસ્સાના વિકાસથી વધીને કશું પણ લાગતુ વળગતુ નથી.
શહેરના જી- ડિવિઝન પોલીસ મથકમાં એવું તો શું છે?
શહેરના જી ડિવિઝન પોલીસ મથકને લઈ સમાચાર એ મળી રહ્યા છે કે ટ્રાફિક પોલીસ મથકની અંડરમાં રહેતા આ પોલીસ મથકના પીઆઈ બનવા આજકાલ ઘણા પીઆઈ થનગની રહ્યા છે.અમદાવાદમાં અલગ-અલગ વિસ્તાર પ્રમાણે ટ્રાફિક પોલીસ સ્ટેશન છે અને આ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પીઆઈ પણ મૂકવામાં આવ્યા છે. સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે, અમદાવાદ ટ્રાફિકમાં આવતું જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પીઆઈને મૂકવામાં આવ્યા નથી, અને અન્ય ટ્રાફિક ડિવિઝનના ઈન્ચાર્જ પીઆઈને તેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, અધિકારીઓને આ વાતની જાણ છે તેમ છત્તા કેમ જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પીઆઈની જગ્યા ભરવામાં આવતી નથી તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ટ્રાફિકનો મુદ્દો શહેર પોલીસ માટે માથાનો દુ:ખાવો બન્યું છે ત્યારે ફુલ ટાઈમના અધિકારીની નિમણૂંક નહી કરવા પાછળ શું કારણ તે જાણવું જરૂરી બની ગયું છે.
શાહીબાગના PIની બદલી પછી પણ જગ્યા ના બદલાઈ !
શહેરના પ્રમુખ અમને પોશ વિસ્તારો પૈકી એક શાહીબાગ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર ઝાલાની બદલી કરાઈ પોલીસ મથકમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે પણ એ વાતને પણ અમુક સમય થઈ ગયા બાદ પણ અધિકારી હજુ શાહીબાગમાંજ છે. હવે આ વાતને લઈને સવાલો એ ઉઠી રહ્યા છે કે ઝાલા સાહેબ જેવા બીજા કોઈ અધિકારી છે જ નહીં કે જે આ પોલીસ મથકને સંભાળી શકે કે પછી કરાઈ પોલીસ મથકમાં એ સેટ થઈ શકે એમ નથી. જો કે પોલીસની વહિવટિય પ્રક્રિયામાં ક્યારેક એવું દેખાય છે કે ઓર્ડર કરી દેવાયા બાદ ચાર્જ સંભાળ્યાનો રિપોર્ટ ધ્યાન પર લેવાય છે કે કેમ તે જરૂરી બની ગયું લાગે છે. જોઈએ શ્રાવણ મહિનો હવે નવા જોઈનીંગ માટે કેટલો શુકનિયાળ સાબિત બનશે.
ક્રાઈમ કોન્ફરન્સ પછી પી.આઈની બદલીઓ પાક્કી ?
રથયાત્રા અને ક્રાઈમ કોન્ફરન્સ પુરી થઈ ગયા બાદ હવે બની રહી છે એક યાદી. નબળી કામગીરી અને વહિવટગીરીમાં માહેર પી.આઈઓની. છેલ્લા ઘણા સમયથી અમુક પીઆઈઓએ રાજકારણીઓને સાથે રાખીને પોતાની બદલી માટે લોબિંગ શરૂ કરાવ્યું છે. કામગીરીને લઈ પોતે સાઈડ ટ્રેક કે કમાઉ પોલીસ મથકથી દુર ના થઈ જાય તે માટે અત્યારથી જ ચિટ્ઠીમાં નામ લખીને આપવા લાગ્યા છે. હાલમાં હજુ કોઈ નક્કર પગલાનો સળવળાટ નથી એટલે દામ નક્કી કરવાનું પણ મૂલતવી જ રાખવામાં આવ્યું છે. શહેર પોલીસ કમિશનર પાસેથી આ અંગે વિગતો મેળવવાના પ્રયાસો ચાલું છે.
એક PI લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશનના રાજા છે
અમદાવાદમાં ઘણા પીઆઈઓની બદલી અગાઉ બે લિસ્ટમાં આવી ગઈ છે, ત્યારે ગાંધીનગરથી નજીક અને સાબરમતી નદીના કાંઠાની નજીક આવેલું એક પોલીસ સ્ટેશન એવું છે કે, તે પીઆઈની લાંબા સમયથી બદલી જ નથી આવી, પોલીસ બેડામાં તો એવી ચર્ચા ચાલી રહી છે કે, આ અધિકારી તો દોઢ વર્ષ કરતા પણ વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યાં છે, ત્યારે આ પીઆઈની બદલી માટે અન્ય પીઆઈ પણ રાહ જોઈ રહ્યાં છે, ત્યારે પીઆઈ સાહેબને પણ અહીયા મજા જ છે તેવી ચર્ચાએ જોર પકડયું છે.
શહેરની પોલીસ લાઈનમાં ગંદકીનું સામ્રાજય !
અમદાવાદ પોલીસને રહેવા માટે અમદાવાદ શહેરમાં અલગ-અલગ પોલીસ લાઈન આવેલી છે અને પોલીસ તેમના પરિવાર સાથે વસવાટ કરતી હોય છે, ત્યારે અમદાવાદની ઘણી પોલીસ લાઈનમાં ગંદકીનું સામ્રાજય જોવા મળે છે ઘણી જગ્યાએ પાર્કિંગમાં નાના-નાના વૃક્ષો પણ ઉગી ગયા છે અને તેને કાપવામાં પણ આવતા નથી, ત્યારે વૃક્ષોમાં પાણી ભરાવાના કારણે રોગચાળો ફેલાવાની પણ શકયતાઓ રહેલી છે. ત્યારે પોલીસ લાઈનમાં ગંદકીનું સામ્રાજય દૂર થવું જરૂરી છે.













