અમદાવાદના કૃષ્ણનગરમાં સોસાયટીમાં ગરબાના આયોજન દરમિયાન પિતા-પુત્રએ મ્યુઝિક સિસ્ટમ બંધ કરાવીને ધમાલ મચાવી હતી, તો સોસાયટીના લોકોએ ભેગા મળીને તેમને સમજાવવા ગયા તે દરમિયાન કલ્પેશ પટેલ અને અંશ પટેલનો ગુસ્સો ઉકળતો સામે આવ્યો હતો અને મહિલાઓને ગાળો બોલવા લાગ્યા હતા અને સોસાયટીના સભ્યોએ પોલીસ બોલાવી હતી.
અમદાવાદના કૃષ્ણનગરમાં ગરબા દરમિયાન થઈ બબાલ
કૃષ્ણનગરની સોસાયટીમાં ગરબા ચાલી રહ્યાં હતા અને મ્યુઝિક સિસ્ટમ પર સોસાયટીના સ્થાનિકો ગરબે ઘૂમી રહ્યાં હતા તે દરમિયાન આરોપીને કોઈ વાતને લઈ તકલીફ પડી હતી અને તેઓ ચાલુ ગરબામાં દોડી આવ્યા હતા અને મ્યુઝિક સિસ્ટમ બંધ કરાવીને ઝઘડો કરવા લાગ્યા હતા, તો મહિલાઓએ કીધુ કે, સિસ્ટમ બંધ ના કરતો અને પિતા-પુત્રએ ઝઘડો કર્યો હતો આ દરમિયાન મારામારીની પણ ઘટના બની હતી જેના કારણે સોસાયટીમાં ભયનો માહોલ ઉભો થયો હતો.
પિતા-પુત્રએ ધમાલ મચાવીને સોસાયટી માથે લીધી
કૃષ્ણનગરમાં જય ભગવાન સોસાયટીમાં રહેતા દર્શનાબેન નિરવભાઈ પટેલે તેમની સોસાયટીમાં રહેતા કલ્પેશ પટેલ અને તેમના દીકરા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીની ફરિયાદ પ્રમાણે વાત કરીએ તો મ્યુઝિક સિસ્ટમને લઈ આ બબાલ થઈ હતી, વાત એટલી વધી ગઈ કે મારામારી સુધીની ઘટના પહોંચી ગઈ અને આ દરમિયાન કલ્પેશનો પુત્ર ત્યાં હાજર હોય તે દોડી આવી બંને સાથે મળી નિરવભાઈને ગળું પકડીને ઢોર માર માર્યો હતો. બીજી તરફ દર્શનાબેનના જેઠએ ફોન કરીને પોલીસને બોલાવતાં બંને આરોપી પોલીસ આવે તે પહેલાં ધમકી આપીને ત્યાંથી નાસી ગયાં હતાં.
આરોપી પાવડો લઈને મારવા આવ્યો હતો
અંશ કે જે હાથમાં પાવડો લઈને મારવા માટે આવ્યો હોવાની વાત પણ સામે આવી છે, અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી, તો ફરિયાદીના પતિને છાતીમાં ગભરામણ થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પિતા-પુત્ર પોતાની જાતને શું સમજતા હશે તે ખબર ના પડી, પણ એ વાત નક્કી છે કે, સોસાયટી એક તરફ અને પિતા-પુત્ર એક તરફ હતા અને સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પિતા-પુત્ર અવાર-નવાર બબાલ કરતા હોય છે.