નાઈજીરીયન ગેંગ સાથે જોડાયેલી સાયબર ઠગ ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે નાઈજીરીયન ગેંગ સાથે જોડાયેલી એક મોટી સાયબર ઠગ ગેંગને પકડી પાડવામાં સફળતા મેળવી છે. જામનગરમાં છુપાયેલા આ ગેંગના 5 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. આ ગેંગ વિદેશી કંપનીના નામે વેપારીઓ સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયાની ઠગાઈ કરતી હતી. કેવી રીતે આ ગેંગ લોકોને છેતરતી હતી? શું હતી આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી જોઈએ આ અહેવાલમાં.


પૈસા આંગડીયા મારફતે નાઈજીરીયન ગેંગ સુધી પહોંચાડવામાં આવતા

અમદાવાદ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચે નાઈજીરીયન ગેંગ સાથે જોડાયેલી ઠગ ગેંગના 5 સભ્યોને જામનગરમાંથી પકડી પાડ્યા છે. આ ગેંગ ઓનલાઈન માધ્યમ દ્વારા ભારતીય વેપારીઓનો સંપર્ક કરી, આફ્રિકન ફાર્માસ્યુટિકલ કંપની તરીકે ઓળખ આપીને તેમને દવાઓના સપ્લાયનો ખોટો કોન્ટ્રાક્ટ આપતી હતી. ફરિયાદી નિહાર વર્મા સાથે ગેંગે Eupatorium Mercola Liquid નામની દવા ખરીદ વેચાણના બહાને 32 લાખથી વધુની છેતરપિંડી કરી હતી. ઠગાઈથી મળેલા પૈસા એકાઉન્ટ મારફતે ઉપાડી આંગડીયા મારફતે નાઈજીરીયન ગેંગ સુધી પહોંચાડવામાં આવતા હતા.

સાયબર ક્રાઈમે આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી

પોલીસ વિભાગ દ્વારા ફરિયાદ બાદ આરોપીઓની શોધખોળ કરવામાં ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લીધી હતી, જેથી 5 આરોપીઓને જામનગરમાંથી પકડી પાડવામાં આવ્યા છે. આ તમામ નાઈજીરીયન ગેંગ સાથે સીધો સંપર્ક રાખી પૈસા ટ્રાન્સફર કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 8 મોબાઈલ ફોન, 2 ચેકબુક, ડેબિટ કાર્ડ અને અનેક સિમકાર્ડ કબજે કર્યા છે. ત્યારે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

ગેંગે છેલ્લા કેટલાક મહિનામાં 2 કરોડથી વધુની છેતરપિંડી કરી

અટકાયત થયેલા આરોપીઓ પૈકી એક આરોપી દિપ પોપટપરી ગોસ્વામી અગાઉ 2021માં પણ નાઈજીરીયન ફ્રોડના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે અન્ય આરોપી અસગર અઝીઝ પઠાણ વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગે છેલ્લા કેટલાક મહિનામાં 2 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. જેમાં તમિલનાડુ, તેલંગાણા અને ચંદીગઢમાં પણ ફરિયાદો નોંધાયેલી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ હવે આ ગેંગ સાથે જોડાયેલા અન્ય નાઈજીરીયન કનેક્શન અને નાણાંના ટ્રાન્સફર ચેઈનની તપાસ કરી રહી છે. આ મામલે અન્ય આરોપીઓની ધરપકડ પણ શક્ય છે. 

  • Follow us on: