અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય મુદ્દે વિધાર્થીએ જ અન્ય વિધાર્થીને છરી મારીને જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું છે. આ ઘટના સમાજ માટે રેડ એલર્ટ સમાન છે. એક સગીર વિદ્યાર્થી બેગમાં છરી કઇ રીતે લઇ ગયો તે સૌથી મોટો સવાલ છે. નાની વાતમાં આ વિદ્યાર્થી આટલો કેમ ઉશ્કેરાઇ ગયો તે પણ ચિંતા પ્રેરે તેવો બનાવ છે.


મામલો શું હતો

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં મંગળવારે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કી થઇ હતી જેમાં આટલી નાની વાતમાં હત્યા કરી દેવાઇ હતી. ઘોડાસરમાં રહેતો સગીર સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને સપ્તાહ પહેલાં તે સીડી ઉતરી રહ્યો હતો ત્યારે 8માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થીઓ સાથે તેને ધક્કામુક્કી થયા બાદ બોલાચાલી થઇ હતી અને એક સપ્તાહમાં બંને વચ્ચે આ મામલે ભારે બોલાચાલી પણ થઇ હોવાની વાત મળી રહી છે. મંગળવારે જ્યારે સ્કૂલ છુટી ત્યારે આ ધોરણ 10નો વિદ્યાર્થી સ્કૂલની બહાર આવી મણિયાસા સોસાયટી તરફ જતો હતો ત્યારે ધોરણ 8નો આ વિદ્યાર્થી ફરી તેની પાસે આવ્યો હતો અને પોતાની પાસે છુપાવી રાખેલી છરી કાઢીને આ 10માં ધોરણના વિદ્યાર્થીને મારી દીધી હતી જેથી લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થી સ્કૂલની પાછળ દોડીને આવ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસે આ હુમલાખોર સગીરને જુવેનાઇલ કાયદા મુજબ રાઉન્ડ અપ પણ કર્યો હતો. પોલીસે સમગ્ર બનાવની તપાસ કરવા સીસી ટીવી ફૂટેજ સાથે નિવેદનો પણ લીધા હતા.




હજારો લોકોએ શાળામાં પહોંચી તોડફોડ કરી

અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં હત્યાથી વાલીઓ અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને હજારોની સંખ્યામાં વાલીઓએ સ્કૂલ પર પહોંચી ભારે તોડફોડ કરી હતી. વાલીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ પણ થયું હતું. લોકોએ શાળાના સ્ટાફ સહિત ઘણા લોકોને માર માર્યો હતો. આખરે પોલીસે વાલીઓને સ્કૂલની બહાર કાઢ્યા હતા. વાલીઓએ સ્કૂલમાં સામાનની તોડફોડ કરી હતી તો સ્કૂલ સંચાલકની ઓફિસમાં પણ તોડફોડ કરી હતી.

શાળાના બાળકોના નાના ઝગડામાં વાત હત્યા સુધી પહોંચે તે ચિંતાનો વિષય

બીજી તરફ સેવન્થ ડે સ્કૂલની ઘટના મુદ્દે શિક્ષણ મંત્રી ની પ્રતિક્રિયા આવી છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે શાળામાં વિધાર્થીની હત્યાની સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપ્યા છે. આ દુઃખદ ઘટના છે પરિવારજનો ને સાંત્વના આપું છું . તેમણે કહ્યું કે આ ઘટના સામાજિક ચિંતન અને મનન નો વિષય છે. નાની ઉંમરના વિધાર્થી ચાકુથી હુમલો કરે તે રેડ સિગ્નલ છે. તેમણે એમ પણ કહ્યું કે વિકૃત માનસિકતા ધરાવતા વિધાર્થીઓ પર શાળાએ નજર રાખવી જોઈએ. શાળાના બાળકોના નાના ઝગડામાં વાત હત્યા સુધી પહોંચે તે ચિંતાનો વિષય છે. અમે આજે અધિકારીઓને બોલાવી બેઠક કરશું . તેમણે કહ્યું કે તટસ્થ તપાસ થાય એવી સૂચના આપી છે 

  • Follow us on: