અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે એક અત્યંત સનસનાટીપૂર્ણ ડબલ મર્ડર કેસના 15 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઝોન 2 LCB સ્ક્વોડે આ ઓપરેશનને અંજામ આપીને ગુનેગારોને પકડી પાડવાની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. આરોપીની ઓળખ બ્રજકિશોર કુશવાહ તરીકે થઈ છે. બ્રજકિશોર 2009માં અમદાવાદના કુખ્યાત ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલો હતો. તેણે શહેરના પ્રબોધ રાવલ બ્રિજ પર ફાયરિંગ કરીને બે વ્યક્તિની હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.
2009માં ડબલ મર્ડરના ગુનામાં સંડોવાયેલો હતો
આ ઘટના બાદ તે ગુજરાતમાંથી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા દોઢ દાયકાથી પોલીસની પકડમાંથી દૂર હતો. આરોપી બ્રજકિશોર રાજસ્થાનમાં પોતાનું છુપાવેલું જીવન જીવી રહ્યો હતો. પરંતુ LCB ઝોન 2 સ્ક્વોડને તેની સચોટ બાતમી મળી હતી. પોલીસ ટીમે આરોપીને પકડવા માટે એક ખાસ રણનીતિ અપનાવી હતી. LCB ટીમના જવાનોએ જાનૈયાનો વેશ ધારણ કર્યો હતો અને રાજસ્થાનના એક ગામમાં પહોંચી ગયા હતા.













