અમદાવાદમાં ચોરીની ઘટનાઓ સતત વધવા માંડી છે. ઘર અને દુકાનોમાં ચોરીની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. પોલીસના સઘન પેટ્રોલિંગ વચ્ચે ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શહેરના જુહાપુરા વિસ્તારમાંથી દુકાનનું લોક તોડીને લાખો રૂપિયાની કિંમતના પોપટની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. કાર લઈને આવેલા શખ્સ દ્વારા દુકાનમાંથી પોપટની ચોરી કરી હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે.
દુકાન તોડી 11 જેટલા વિદેશી પોપટની ચોરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સ્થિત એક્વેરિયમ શોપનું લોક તોડીને એક શખ્સે દોઢ લાખથી ત્રણ લાખ સુધીના 11 પોપટની ચોરી કરી હતી.આરોપી ગાડી લઈને પોપટની ચોરી કરવા આવ્યા હતો તેણે દુકાનમાં ચોરી કરી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેણે દુકાનની મેઈન લાઇટ બંધ કરીને શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ લાખો રૂપિયાના વિદેશી પોપટની ચોરી કરી હતી.
દુકાન તોડી ઈમ્પોર્ટેડ પોપટની ચોરી કરાઈ
એક્વેરિયમ શોપનું લોક તોડીને શખ્સે ઓસ્ટ્રેલિયન પેરોટ , મકાઉ પેરોટ, આફ્રિકન ગ્રે પેરોટ, એટલેટસ પેરોટ, બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ પેરોટ અને મૌલુટન કાકા ટુ પેરોટની ચોરી કરી હતી. દુકાનના માલિક દ્વારા ચોરી થયા અંગેની ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદના આધારે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. લાખો રૂપિયાના પોપટની ચોરી થતાં સમગ્ર વિસ્તારમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.